સત્યના પ્રયોગો/પાછાફરો

૨૯. ‘જલદી પાછા ફરો’

મદ્રાસથી કલકત્તા ગયો. કલકત્તામાં મને મુશ્કેલીઓનો પાર ન રહ્યો. ત્યાં ‘ગ્રેટ ઇસ્ટર્ન’ હોટેલમાં ઊતર્યો. કોઈને ઓળખું નહીં. હોટેલમાં ‘ડેલી ટેલિગ્રાફ’ના પ્રતિનિધિ મિ. એલર થૉર્પની ઓળખ થઈ. તે રહેતા હતા બંગાળ ક્લબમાં. ત્યાં મને તેમણે નોતર્યો. તે વખતે તેમને ખબર નહોતી કે હોટેલના દીવાનખાનામાં કોઈ હિંદીને ન લઈ જઈ શકાય. પાછળથી તેમણે આ પ્રતિબંધ વિશે જાણ્યું. તેથી તે મને પોતાની કોટડીમાં લઈ ગયા. હિંદીઓ તરફના સ્થાનિક અંગ્રેજોના આ અણગમાનો તેમને ખેદ થયો. મને દીવાનખાનામાં ન લઈ જવા સારુ માફી માગી.

‘બંગાળના દેવ’ સુરેદ્રનાથ બેનરજીને તો મળવાનું હતું જ. તેમને મળ્યો. હું મળ્યો ત્યારે તેમની આસપાસ બીજા મળનારાઓ હતા. તેમણે કહ્યું, ‘તમારા કામમાં લોકો રસ નહીં લે એવો મને ભય છે. તમે તો જુઓ છો કે અહીં જ કંઈ થોડી વિટંબણાઓ નથી. છતાં તમારે તો બને તે કરવું જ. આ કામમાં તમારે મહારાજાઓની મદદ જોઈશે. બ્રિટિશ ઇન્ડિયા ઍસોસિયેશનના પ્રતિનિધિઓને મળજો. રાજા સર પ્યારીમોહન મુકરજી અને મહારાજા ટાગોરને મળજો. બન્ને ઉદાર વૃત્તિના છે ને જાહેર કામમાં ઠીક ભાગ લે છે.’ હું આ ગૃહસ્થોને મળ્યો. ત્યાં મારા ચાંચ ન બૂડી. બન્નેએ કહ્યું, ‘કલકત્તામાં જાહેર સભા કરવી સહેલું કામ નથી. પણ કરવી જ હોય તો ઘણો આધાર સુરેદ્રનાથ બૅનરજી ઉપર છે.’

મારી મુશ્કેલીઓ વધતી જતી હતી. ‘અમૃત બઝાર પત્રિકા’ની ઑફિસે ગયો. ત્યાં પણ જે ગૃહસ્થો મને મળ્યા તેમણે માની લીધેલું કે હું કોઈ ભમતારામ હોવો જોઈએ. ‘બંગવાસી’એ તો હદ વાળી. મને એક કલાક સુધી તો બેસાડી જ મૂક્યો. બીજાઓની સાથે અધિપતિસાહેબ વાતો કરતા જાય; તેઓ જતા જાય’, પણ પોતે મારી તરફ પણ ન જુએ. એક કલાક રાહ જોઈને મેં મારો પ્રશ્ન છેડયો ત્યારે તેમણે કહ્યું, ‘તમે જોતા નથી અમને કેટલું કામ પડયું છે? તમારા જેવા તો ઘણા અમારે ત્યાં ચાલ્યા આવે છે. તમે વિદાય થાઓ તેમાં જ સારું છે. અમારે તમારી વાત સાંભળવી નથી.’ મને ઘડીભર દુઃખ તો થયું, પણ હું અધિપતિનું દૃષ્ટિબિંદુ સમજ્યો ‘બંગવાસી’ની ખ્યાતિ તો સાંભળી હતી. અધિપતિને ત્યાં માણસો આવતાજતા હતા તે હું જોઈ શક્યો હતો. તેઓ બધા તેમને ઓળખનારા. તેમનું છાપું તો ભરપૂર રહેતું હતું. દક્ષિણ આફ્રિકાનું તે વેળા તો નામ પણ માંડ જણાયેલું. નિતનવા માણસો પોતાના દુઃખ ઠલવવા ચાલ્યા જ આવે. તેમને તો પોતાનું દુઃખ મોટામાં મોટો સવાલ હોય. પણ અધિપતિની પાસે તો એવાં દુખિયાં થોકબંધ હોય. બધાંનું એ બાપડો શું કરે? વળી દુઃખીને મન છાપાના અધિપતિની સત્તા એટલે મોટી વાત હોય. અધિપતિ પોતે તો જાણતો હોય કે તેની સત્તા તેની કચેરીના દરવાજાનો ઉંબર પણ ન ઓળંગતી હોય.

હું હાર્યો નહીં. બીજા અધિપતિઓને મળવાનું ચાલુ રાખ્યું. મારા રિવાજ મુજબ અંગ્રેજોને પણ મળ્યો. ‘સ્ટેટ્સમૅન’ અને ‘ઇંગ્લિશમૅન’ બંને દક્ષિણ આફ્રિકાના સવાલનું મહત્ત્વ જાણતાં હતાં. તેમણે લાંબી મુલાકાતો છાપી. ‘ઇંગ્લિશમૅન’નો મિ. સૉડર્સે મને અપનાવ્યો. તેમની ઑફિસ મારે સારુ ખુલ્લી, તેમનું છાપું મારે સારું ખુલ્લું. પોતાના અગ્રલેખમાં સુધારોવધારો કરવાની પણ મને છૂટ આપી. અમારી વચ્ચે સ્નેહ બંધાયો એમ કહું તો અતિશયોક્તિ નથી. તેમણે જે મદદ થઈ શકે તે કરવાનું મને વચન આપ્યું. હું પાછો દક્ષિણ આફ્રિકા જાઉં પછી પણ પોતાને પત્ર લખવા મને કહ્યું, ને પોતે પોતાથી બનતું કરશે એવું વચન આપ્યું. મેં જોયું કે આ વચન તેમણે અક્ષરશઃ પાળ્યું, ને તેમની તબિયત ખરાબ થઈ ત્યાં લગી તેમણે મારી સાથે પત્રવ્યવહાર જારી રાખ્યો. મારી જિંદગીમાં આવા અણધાર્યાં મીઠા સંબંધો અનેક બંધાયા છે. મિ. સૉડર્સને મારામાં જે ગમ્યું તે અતિશયોક્તિનો અભાવ અને સત્યપરાયણતા હતાં. તેમણે મારી ઊલટતપાસ કરવામાં કચાશ નહોતી રાખી. તેમાં તેમણે જોયું કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓના પક્ષને નિષ્પક્ષપાતપણે મૂકવામાં ને તેની તુલના કરવામાં મેં ન્યૂનતા નહોતી રાખી.

મારો અનુભવ મને કહે છે કે સામા પક્ષને ન્યાય આપી આપણે ન્યાય વહેલો મેળવીએ છીએ.

આમ મને અણધારી મદદ મળવાથી કલકત્તામાં પણ જાહેર સભા ભરવાની આશા બંધાઈ. તેવામાં ડરબનથી તાર મળ્યો : ‘પાર્લમેન્ટ જાનેવારીમાં મળશે. જલદી પાછા ફરો.’

આથી એક કાગળ છાપાંઓમાં લખી તુરત ઊપડી જવાની અગત્ય જણાવી મેં કલકત્તા છોડયું, ને પહેલી સ્ટીમરે જવાની ગોઠવણ કરવા દાદા અબદુલ્લાના મુંબઈના એજન્ટને તાર કર્યો. દાદા અબદુલ્લાએ પોતે ‘કુરલૅન્ડ’ સ્ટીમર વેચાતી લીધી હતી. તેમાં મને તથા મારા કુટુંબને મફત લઈ જવાનો આગ્રહ ધર્યો. મેં ઉપકાર સહિત તે સ્વીકાર્યો અને હું ડિસેમ્બરના આરંભમાં ‘કુરલૅન્ડ’માં મારી ધર્મપત્ની, બે દીકરા ને મારા સ્વર્ગસ્થ બનેવીના એકના એક દીકરાને લઈ દક્ષિણ આફ્રિકા તરફ બીજી વાર રવાનો થયો. આ સ્ટીમરની સાથે જ બીજી સ્ટીમર ‘નાદરી’ પણ ડરબન રવાના થઈ. તેના એજન્ટ દાદા અબદુલ્લા હતા. બંને સ્ટીમરમાં મળી આઠસેંક હિંદી ઉતારુઓ હશે. તેમાંનો અરધ ઉપરાંત ભાગ ટ્રાન્સવાલ જનારો હતો.