સત્યના પ્રયોગો/સાથીઓ

૧૭. સાથીઓ

બ્રજકિશોરબાબુ અને રાજેદ્રબાબુ તો અદ્વિતીય જોડી હતા. તેમના વિના હું એક પણ ડગલું આગળ ન જઈ શકું એવો પોતાના પ્રેમથી તેમણે મને અપંગ બનાવી મૂક્યો હતો. તેમના શિષ્યો કહો કે સાથીઓ એવા શંભુબાબુ, અનુગ્રહબાબુ, ધરણીબાબુ અને રામનવમીબાબુ, આ વકીલો લગભગ નિરંતર સાથે જ રહેતા. વિંધ્યાબાબુ અને જનકધારીબાબુ પણ વખતોવખત રહેતા. આ તો થયો બિહારી સંઘ. તેમનું મુખ્ય કામ લોકોની જુબાનીઓ લેવાનું હતું.

અધ્યાપક કૃપલાનીથી આમાં જોડાયા વિના રહેવાય એમ જ નહોતું. જાતે સિંધી છતાં તે બિહારીના કરતાં પણ વધારે બિહારી હતા. એવા થોડા સેવકોને મેં જોયા છે જેમની શક્તિ જે પ્રાંતમાં જાય તેમાં પૂર્ણતાએ ભળી જવાની હોય ને પોતે જુદા પ્રાંતના છે એવું કોઈને જાણવા ન દે. એમાંના કૃપલાની એક છે. તેમનો મુખ્ય ધંધો દ્વારપાળનો હતો. દર્શન કરનારાઓથી મને બચાવી લેવામાં તેમણે જિંદગીની સાર્થકતા આ સમયે માની લીધી હતી. કોઈને વિનોદથી મારી આવતા અટકાવે તો કોઈને અહિંસક ધમકીથી. રાત પડે ત્યારે અધ્યાપકનો ધંધો શરૂ કરે ને બધા સાથીઓને હસાવે, ને કોઈ બીકણ પહોંચી જાય તો તેને શૂર ચડાવે.

મૌલાના મજહરુલ હકે મારા મદદગાર તરીકે પોતાનો હક નોંધાવી મૂક્યો હતો; ને મહિનામાં એકબે વખત ડોકિયું કરી જાય. તે વખતનો તેમનો ઠાઠ અને દમામ અને આજની તેમની સાદાઈ વચ્ચે આસમાનજમીનનું અંતર છે. અમારામાં આવીને તેઓ પોતાની હૃદય ભેળવી જતા, પણ પોતાની સાહેબીથી બહારના માણસને તો અમારાથી નોખા જેવા લાગતા.

જેમ જેમ હું અનુભવ મેળવતો ગયો તેમ તેમ મને લાગ્યું કે, ચંપારણમાં બરોબર કામ કરવું હોય તો ગામડાંમાં કેળવણીનો પ્રવેશ થવો જોઈએ. લોકોનું અજ્ઞાન દયાજનક હતું. ગામડાંનાં છોકરાં રખડતાં હતાં. અથવા માબાપો તેમને દિવસના બે કે ત્રણ પૈસા મળે તેટલા સારુ આખો દહાડો ગળીનાં ખેતરોમાં મજૂરી કરાવતાં. આ સમયે પુરુષોની મજૂરી દસ પૈસા કરતાં વધારે નહોતી. સ્ત્રીઓની છ પૈસા અને બાળકોની ત્રણ. ચાર આનાની મજૂરી મળે તે ખેડૂત ભાગ્યશાળી ગણાય.

સાથીઓ સાથે વિચાર કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળ ખોલવાનો ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાના આગેવાનોએ મકાન અને શિક્ષકનું ખાવાનું આપવું, તેનું બીજું ખર્ચ અમારે પૂરું પાડવું. અહીંના ગામડાંમાં પૈસાની છોળ નહોતી, પણ અનાજ વગેરે પૂરું પાડવાની લોકોની શક્તિ હતી, એટલે લોકો કાચું અનાજ આપવા તૈયાર થઈ ગયા હતા.

શિક્ષકો ક્યાંથી લાવવા એ મહાપ્રશ્ન હતો. બિહારમાંથી ટૂંકો પગાર લેનારા કે કંઈ ન લેનાર એવા સારા શિક્ષકો મળવા મુશ્કેલ હતા. મારી કલ્પના એ હતી કે, સામાન્ય શિક્ષકના હાથમાં બાળકો ન જ મુકાય; શિક્ષકને અક્ષરજ્ઞાન ભલે ઓછું હોય, પણ તેનામાં ચારિત્રબળ જોઈએ.

આ કામને સારુ સ્વયંસેવકોની મેં જાહેર માગણી કરી. તેના જવાબમાં ગંગાધરરાવ દેશપાંડેએ બાબાસાહેબ સોમણ અને પુંડલીકને મોકલ્યા. મુંબઈથી અવંતિકાબાઈ ગોખલે આવ્યાં. દક્ષિણથી આનંદીબાઈ આવ્યાં. મેં છોટેલાલ, સુરેદ્રનાથ તથા મારા દીકરા દેવદાસને બોલાવી લીધા. આ જ અરસામાં મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ મને મળી ગયા હતા. મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહેન તથા નરહરિ પરીખનાં પત્ની મણિબહેન પણ આવ્યાં. કસ્તૂરબાઈને પણ મેં બોલાવી લીધી હતી. આટલો શિક્ષકો અને શિક્ષિકાઓનો સંઘ પૂરતો હતો. શ્રી અવંતિકાબાઈ અને આનંદીબાઈ તો ભણેલાં ગણાય, પણ મણિબહેન પરીખ અને દુર્ગાબહેન દેસાઈને ગુજરાતીનું થોડુંક જ જ્ઞાન હતું. કસ્તૂરબાઈને તો નહીં જ જેવું જ. આ બહેનો હિંદી બાળકોને કઈ રીતે શીખવે?

દલીલો કરી બહેનોને સમજાવી કે, તેમણે છોકરાને વ્યાકરણ નહીં પણ રીતભાત શીખવવાની છે, વાંચતાંલખતાં કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. હિંદી, ગુજરાતી, મરાઠી વચ્ચે મોટો ભેદ નથી એ પણ તેમને બતાવ્યું, ને પહેલા વર્ગમાં તો માંડ આંકડાઓ માંડતાં શીખવવાનું હોય એટલે મુશ્કેલી ન જ આવે. પરિણામ એ આવ્યું કે, બહેનોના વર્ગ બહુ સરસ રીતે ચાલ્યા. બહેનોને આત્મવિશ્વાસ આવ્યો ને તેમને પોતાના કામમાં રસ પણ આવ્યો. અવંતિકાબાઈની શાળા આદર્શ શાળા બની. તેમણે પોતાની શાળામાં પ્રાણ રેડયો. તેમની આવડત પણ પુષ્કળ હતી. આ બહેનોની મારફતે ગામડાંના સ્ત્રીવર્ગમાં પણ પ્રવેશ થઈ શક્યો હતો.

પણ મારે શિક્ષણથી જ અટકવાનું નહોતું. ગામડાંની ગંદકીનો પાર નહોતો. શેરીઓમાં કચરો, કૂવાઓની પાસે કાદવ ને બદબો, આંગણાં જોયાં ન જાય. મોટેરાંને સ્વચ્છતાની કેળવણીની જરૂર હતી. ચંપારણના લોકો રોગોથી પીડાતા જોવામાં આવતા હતા. બની શકે એટલું સુધરાઈનું કામ થાય તો કરવું ને તેમ કરી લોકોના જીવનના દરેક વિભાગમાં પ્રવેશ કરવાની વૃત્તિ હતી.

આ કામમાં દાક્તરની મદદની જરૂર હતી. તેથી મેં ગોખલેના સમાજ પાસેથી દા. દેવની માગણી કરી. તેમની સાથે મને સ્નેહગાંઠ તો બંધાઈ જ હતી. છ માસને સારુ તેમની સેવાનો લાભ મળ્યો. તેમની દેખરેખ નીચે શિક્ષકો અને શિક્ષિકાઓએ કામ કરવાનું હતું.

બધાંની સાથે આટલી સમજૂતી હતી કે, કોઈએ નીલવરોની સામેની ફરિયાદમાં ન ઊતરવું, રાજ્યપ્રકરણને ન અડકવું, ફરિયાદો કરનારને મારી આગળ જ મોકલી દેવા; કોઈએ પોતાના ક્ષેત્રની બહાર એક ડગલું સરખુંયે ન જવું. ચંપારણના આ સાથીઓનું નિયમનનું પાલન અદ્ભુત હતું. એવો પ્રસંગ મને યાદ નથી આવતો કે જ્યારે કોઈએ તેને મળેલી સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું હોય.