સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અચ્યુત પટવર્ધન/અધૂરી સ્વતંત્રતા

          હરિજનો આજે વ્યવહારમાં બીજા દરજ્જાના નાગરિક તરીકેનું જીવન ગાળી રહ્યા છે. ઘણાં ગામડાંમાં કૂવા પરથી હજુ તેમને પાણી ભરવા દેવામાં આવતું નથી. કેટલાંય ગામોમાં પ્રાથમિક શાળામાં તેમનાં બાળકોને વર્ગમાં બીજાં બાળકો સાથે બેસવા દેવામાં આવતાં નથી. અસ્પૃશ્યતાને ગુનો ઠરાવતો કાયદો થયા પછી પણ આવા અન્યાય લાખો ગામડાંમાં ચાલુ રહેશે, એવો તો તે વખતે ખ્યાલ સુધ્ધાં કોને આવ્યો હશે? ચૂંટણીમાં વધુ મત મેળવીને સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન બધા પક્ષો કરતા હોય, ત્યારે કચડાયેલા અલ્પ સંખ્યાના હરિજનોને ન્યાય અપાવવાનો કાર્યક્રમ સ્વીકારીને બહુમતી કોમોનો ટેકો ગુમાવવાની કોઈ પણ રાજકીય પક્ષની ઇચ્છા હોતી નથી. એટલે હું તો ભારતના યુવાનોને કહું કે હરિજનોને ન્યાય અપાવવાનું બીડું તમે ઝડપશો નહીં, ત્યાં સુધી હરિજનોને ‘હલકા’ ગણાઈને ગામમાં રહેવું પડશે, ત્યાં સુધી ભારતની સ્વતંત્રતા અધૂરી છે.