સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/ભગવાન

Revision as of 13:10, 24 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મેં ક્યાં કશુંય ઇચ્છ્યું’તું તારી પાસે? ને તોય તેં જલભર્યાં વાદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મેં ક્યાં કશુંય ઇચ્છ્યું’તું તારી પાસે?
ને તોય તેં જલભર્યાં વાદળોથી કર્યો મારે શિરે અભિષેક,
ઉષા-સન્ધ્યાના અલપઝલપ રંગોની સુરખી આંજી મારાં નયનમાં,
પર્વતોમાં સંતાકૂકડી રમતી કેડીઓએ
જીવતું રાખ્યું મારું અકૈતવ કુતૂહલ,
પુષ્પોનાં સુમધુર સ્મિત ને માનવોની અમી ઝરતી આંખોએ
ક્યારેય ના કરમાવા દીધાં મારાં સ્વપ્નોને…
ક્યાં કશુંય મેં માગ્યું’તું તારી પાસે?
ને તો યે ઊગતા સૂર્યે હંમેશાં પૂછી છે મારી ખબર,
પવને ઝુલાવ્યા છે મારા આંગણાના ફૂલછોડ,
ને નદીઓનાં પાણીએ ભીંજવ્યો છે મને અંતસ્તલ સુધી.
પર્વતનાં શિખરોએ મને ખભે ઊંચકીને રમાડ્યો છે,
ને ક્યાં નથી મળ્યો મારા હઠીલા પ્રેમનો પ્રતિશબ્દ?
ના, મારે કશુંય ન જોઈએ, ભગવાન!
હા, કોઈ શિશુની આંગળી પકડી એને ઓળંગાવી દઉં રસ્તો
ને એ હસીને મને કરી દે ‘આવજો’…
[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૭૭]