સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/મહાન વાચકો જોઈશે

          ગુજરાતી વાચકોને નજરમાં રાખીને ઝવેરચંદ મેઘાણીએ એક વેળા કહેલું કે આપણી મોટા ભાગની પ્રજા ગાય જેવી છે, જે લીલું ઘાસ ખાતાં ખાતાં કચરો પણ ચાવી જાય છે. મેઘાણીએ આ અભિપ્રાય ઉચ્ચાર્યો તેને તો વર્ષો વીત્યાં, પણ પરિસ્થિતિમાં હજી ફેર જણાતો નથી. ઊલટું આજે તો આ મંતવ્ય વધુ સાચું લાગે છે. છેલ્લાં વર્ષોમાં આપણે ત્યાં શિક્ષણનું પ્રમાણ સારું એવું વધ્યું છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સાહિત્યના મેળાવડાની સંખ્યા પણ વધતી રહી છે. તેમ છતાં ઉત્તમતાનો આગ્રહ આપણા પ્રજામાનસમાં પ્રગટવો જોઈએ તેટલો પ્રગટયો નથી. જો એમ ન હોત તો સુરેશ જોશી જેમને “અભણ લેખકો” કહીને ઓળખાવે છે તેવા લેખકોની ચોપડીઓનું મોટા પાયા પરનું વેચાણ શક્ય બન્યું ન હોત. આને માટે જવાબદાર કોણ? એમ કહી શકાય કે વાચકો બગડે તો તેને માટે લેખકો જવાબદાર છે. પણ આ પૂર્ણ સત્ય નથી. સામેથી પ્રશ્ન પૂછી શકાય : લેખક તો લખે, પણ વાચકો એને વાંચે છે શા માટે? અમુક કક્ષાથી ઊતરતું તો નહિ જ ખપે, એવો આગ્રહ વાચકોમાં હોય તો નબળા સાહિત્યનો ફેલાવો થઈ ન શકે. લેખકોનો એક મોટો વર્ગ છે જે એમ કહે છે કે, અમે તો વાચકોની માગને સંતોષીએ છીએ; વિવેચકો ભલે અમારી કૃતિને નબળી કહે, પણ અમારા વાચકો તો ઉમંગભેર એને આવકારે છે અને એની આવૃત્તિઓ બહાર પડે છે. આવા લેખકોના સર્જનની કક્ષા જો નીચી રહેતી હોય, તો એને માટે વાચકવર્ગને જવાબદાર ગણવો જોઈએ — અને ગુજરાતમાં એવા લેખકો ને વાચકોની સંખ્યા નાની નથી. એટલે જ તો વોલ્ટ વ્હીટમેનનું એક વાક્ય યાદ રાખવા જેવું છે. એ કવિમનીષી— એ કહેલું કે મહાન કવિઓ જન્માવવા માટે આપણી પાસે મહાન વાચકો જોઈશે. ઉત્તમતાનો આદર્શ લેખકો સામે મૂકી શકે એવા વાચકો જન્માવવાનું કામ અધ્યાપકોનું છે. અધ્યાપકો ભલે કવિઓને કે સર્જકોને ન જન્માવી શકે, પણ ઉત્તમ વાચકો તો અવશ્ય જન્માવી શકે. સાહિત્યના ઉત્તમ નમૂનાઓ તરફ એ અભ્યાસીઓને અભિમુખ કરે. આ કાર્ય કેટલેક અંશે વિવેચનનું પણ છે; એ અર્થમાં વિવેચક સમગ્ર પ્રજામાનસનો અધ્યાપક છે. અધકચરું તો હવે કશું જ ચલાવી ન લેવાય એવો આગ્રહ વધતો જશે, તો ઉત્તમ કૃતિઓનું અવતરણ લાંબી રાહ નહિ જોવડાવે.