સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિલ જોશી/આખા દેશ પર કરફ્યુ!

          આ દેશના શાસકોએ આપણી યુવાનીને મનોરંજનની બ્રાઉન શુગરમાં ડુબાડી દીધી છે. સિનેમાનાં સડકછાપ ગીતોમાં આ ગરીબ દેશની જુવાની સદંતર વેડફાઈ રહી છે. એકદમ સસ્તા મનોરંજન પાછળ શહેરનો ભણેલોગણેલો વર્ગ લાળ પાડતો દેખાય છે. શિક્ષિત અને શ્રીમંત વર્ગની રુચિ પિટ-ક્લાસથી આગળ વધતી નથી. શાસનકર્તાઓએ આખા દેશ ઉપર ફિલ્મ અને ટેલિવિઝનનો કરફ્યુ નાખી દીધો છે. મનોરંજનના મીઠા ઝેરરૂપી એ કરફ્યુમાંથી તમને મુક્તિ મળે, તો તમે આ દેશમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે વિચાર કરતા થઈ જાઓને! ભારતની આમજનતા મનોરંજનના આ ફિલ્મેરિયામાંથી ક્યારેય જાગ્રત થાય નહીં એમાં જ રાજકીય પક્ષોનું સ્થાપિત હિત રહેલું છે. આ પક્ષો બરાબર જાણે છે કે જાગૃત નાગરિક પર શાસન ચલાવવું એ ખૂબ અઘરું છે. મનોરંજન તો અમેરિકામાં પણ ભરપૂર છે, હલકી કક્ષાનું મનોરંજન પણ છે. પરંતુ અમેરિકન પ્રજા અઠવાડિયામાં પાંચ દિવસ ગધેડાની જેમ કામ કરે છે. જ્યારે આપણે ત્યાં? ભગવાને આપણને સહુને બે હાથ આપ્યા છે. આ હાથ પાસેથી આપણે ઉત્પાદક કામ નથી લેતા, પણ તાળીઓ પડાવીએ છીએ. તેંડુલકરે સિક્સર મારી — પાડો તાળી! અમિતાભે ડાયલોગ માર્યો — પાડો તાળી! કવિ-સંમેલન — પાડો તાળી! મોરારીબાપુ — પાડો તાળી! આ પવિત્રા હાથ તે કર્મયોગનું સાધન છે. પણ તે હાથ કર્મ વિના સાવ નવરો પડેલો છે, એટલે તાળીઓ પાડવા સિવાય એ બીજું કરી પણ શું શકે?