સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિલ જોશી/સાંજ

Revision as of 04:10, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની
ગાયું
કણકણ થઈને ગોરજમાં વીખરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને
સાંજ હીંચકા ખાય.
સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું,
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઈને લાલ પાંદડું ફૂટ્યું.
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ —
પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને
સાંજ હીંચકા ખાય.
ખડના પૂળા લઈ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી,
ઘઉંનાં ખેતર વચ્ચે થઈને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી.
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઈને સાંજ ઓસરી જાય,
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું
કણકણ થઈને ગોરજમાં વીખરાય.