સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃતલાલ વેગડ/શાંતિનિકેતનની સ્મરણયાત્રા

          અવનીન્દ્ર, રવીન્દ્ર અને નંદલાલ નંદલાલને રેખા ને રંગ આકર્ષતાં. પરંતુ કુટુંબીજનોએ એમની ઇચ્છાની વિરુદ્ધ કોલેજમાં મૂક્યા. ભણવામાં ચિત્ત ચોંટે નહીં. ચિત્રો દોર્યા કરે. આથી કોલેજના પ્રથમ વર્ષમાં લાગટ બે વાર ફેલ થયા. આખરે એમણે કોલકાતાની સરકારી આર્ટ કોલેજમાં પ્રવેશ લઈ લીધો. [રવીન્દ્રનાથના ભત્રીજા] અવનીન્દ્રનાથ ટાગોર વાઇસ પ્રિન્સિપાલ. નંદલાલનું કામ જોઈને ખૂબ ખુશ થતા. પરંતુ નંદલાલના સસરા એક દિવસ પહોંચી ગયા અવનીબાબુ પાસે ફરિયાદ લઈને. અવનીબાબુએ એમને સમજાવ્યા: “કળા પર જીવીને કુટુંબનું ભરણપોષણ થઈ શકે છે, તમે ચિંતા ન કરો. આજથી નંદની બધી જવાબદારી મારી.” નંદલાલ હજી તો વિદ્યાર્થી હતા, ત્યારે એમણે બનાવેલું ‘સતી’ નામનું ચિત્ર જાપાનના એક પ્રતિષ્ઠિત કળા-માસિકમાં છપાયું અને ખૂબ વખણાયું. આમ એ વિદ્યાર્થીકાળથી જ પ્રસિદ્ધ થઈ ગયા. અવનીન્દ્ર કહેતા કે, “નંદ તો મારો જમણો હાથ છે. મેં મારી પાસે કશું નથી રાખ્યું, બધું એને આપી દીધું છે.” આર્ટ કોલેજમાંથી છુટ્ટા થયા બાદ અવનીન્દ્રનાથે [કોલકાતામાં] ટાગોરોના પૈતૃક નિવાસ ‘જોડાસાંકો’માં ‘ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટ’ની સ્થાપના કરી. નંદલાલનું ભણતર પૂરું થતાં જ એમણે એને આમાં લઈ લીધા. આર્ટ કોલેજમાં સારા પગારે મળતી નોકરી જતી કરીને નંદલાલે અવનીબાબુ પાસે ટૂંકા પગારની નોકરી સ્વીકારી. જોડાસાંકોમાં ગુણીજ્ઞાની લોકોનો મેળો લાગ્યો રહેતો. અહીં નંદલાલનો પરિચય ભગિની નિવેદિતા, જગદીશચંદ્ર બોઝ, આનંદ કુમાર સ્વામી, રામાનંદ ચૅટરજી, અર્ધેન્દ્રકુમાર ગાંગુલી જેવા મનીષીઓ જોડે થયો. આ બધાં એમની કલાનાં પ્રશંસક બન્યાં. રવીન્દ્રનાથ પણ નંદલાલનાં ચિત્રોના મોટા પ્રશંસક. એ જોકે શાંતિનિકેતન રહેતા, પણ એમનું કોલકાતા આવવાનું અવારનવાર થતું. એક વાર એમણે નંદલાલને કહ્યું, “તારાં ચિત્રો મને ખૂબ ગમે છે. હું ચાહું છું કે તું ‘ચયનિકા’ની થોડી કવિતાઓને ચિત્રિત કરી આપ.” નંદલાલે સંકોચપૂર્વક કહ્યું, “કવિતા અંગેનું મારું જ્ઞાન એટલું ઓછું છે કે આ કાર્યનો સ્વીકાર કરતાં ખચકાઉં છું.” “તું નથી જાણતો કે તું કેટલું બધું જાણે છે. જો, હું તને મારાં થોડાં કાવ્યો વાંચી સંભળાવું.” એ પછી રવીન્દ્રનાથે પોતાના સુરીલા સ્વરમાં થોડાં કાવ્યો સંભળાવ્યાં. કવિતા-પાઠ પૂરો થતાં તો નંદલાલ ભાવવિહ્વળ થઈ ગયા. એમણે હોંશે હોંશે એ કાવ્યોનાં સુંદર ચિત્રો દોરી આપ્યાં. પરંતુ રવીન્દ્રનાથ તો નંદલાલને શાંતિનિકેતન લઈ જવા માગતા હતા. ત્યાંનું કલાભવન એમને સોંપીને નિશ્ચિંત થઈ જવા માગતા હતા. સાથે એ પણ જાણતા હતા કે અવનીન્દ્ર એને એટલો તો ચાહે છે કે એને પોતાનાથી અળગો નહીં થવા દે. એથી એમણે ધીરજથી કામ લેવા માંડ્યું. એમણે નંદલાલને શાંતિનિકેતન સહેજે જોવા આવવા માટે કહ્યું. ૧૯૧૫માં નંદલાલ પહેલી વાર શાંતિનિકેતન ગયા. શાંતિનિકેતનના આમ્રકુંજમાં એક સમારોહમાં રવીન્દ્રે નંદલાલનું સ્વાગત કર્યું. ખાસ આ પ્રસંગ માટે એમણે નંદલાલ પર એક કાવ્ય લખ્યું હતું એ જાતે ગાઈ સંભળાવ્યું. (આની અંતિમ પંકિતઓ છે: ‘શિવજટા સમ થજો પીંછી તવ, ચિરરસ—નિષ્યન્દી!’) નંદલાલનું હૃદય ઉલ્લાસ અને કૃતજ્ઞતાથી છલકાઈ ગયું. આશ્રમના આ અણધાર્યા સ્વાગત બાદ, એ જ વર્ષે, કવિનું એમને બીજું આમંત્રણ મળ્યું. આ વેળા પૂર્વ બંગાળમાં આવેલી કવિની જમીનદારીમાં પદ્મા નદી પર કવિ સાથે એક મહિના સુધી હાઉસબોટમાં રહેવાનું હતું. બીજા કલાકારો પણ સાથે હતા. કવિ મહેમાનોની સગવડ સાચવવામાં જરાય કચાશ રહેવા ન દેતા. તેમ છતાં ક્ષમા-યાચનાના સ્વરમાં કહેતા, “જો રથીની મા જીવતી હોત, તો તમારી વધુ સારી દેખભાળ થાત.” નંદલાલને બંગાળનાં ગામડાંને નજીકથી જોવાનો અવસર મળ્યો. એમની સ્કેચબુકો ત્યાંનાં નાવિકો, હોડીઓ, પક્ષીઓ, પનિહારીઓ, ગ્રામીણો તથા પ્રાકૃતિક દૃશ્યોથી છલકાવા લાગી. વળી એમને રવીન્દ્રનાથને નજીકથી જોવાનો અવસર મળ્યો. રવીન્દ્રનાથ શાંતિનિકેતન ચાલ્યા ગયા હતા છતાં એમણે જોડાસાંકોમાં ‘વિચિત્રા’ નામની સંસ્થા શરૂ કરી. આ સંસ્થા એક સમયે બંગાળના સાંસ્કૃતિક જીવનનું કેન્દ્રબિંદુ હતી. રવીન્દ્રનાથ ઇચ્છતા હતા કે એમના બે પ્રતિભાશાળી ભત્રીજાઓ—અવનીન્દ્રનાથ અને ગગનેન્દ્રનાથ—જાપાન જઈને કંઈક નવું શીખી આવે. પરંતુ આ બંને કોલકાતા તો શું જોડાસાંકોય છોડવા તૈયાર નહોતા. આથી રવીન્દ્રનાથ જ્યારે જાપાન ગયા, ત્યારે ત્યાંથી થોડા સારા ચિત્રકારોને અહીં મોકલ્યા. એમનો સૌથી સારો લાભ નંદલાલે લીધો અને સુદૂર પૂર્વની કલા પ્રત્યે એમના મનમાં એક નવી રુચિ જાગી. અવનીન્દ્રનાથની ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટને બંગાળના એ વેળાના ગવર્નરે બહુ સારી ગ્રાન્ટ આપી. આથી સોસાયટીના કાર્યનો ઘણો વિસ્તાર થયો. ગગનેન્દ્રનાથને આના ડાયરેક્ટર અને નંદલાલને પ્રમુખ કલાકાર નીમવામાં આવ્યા. ૧૯૧૯ની એક સાંજે જોડાસાંકોમાં નંદલાલ ચિત્ર દોરવામાં મગ્ન હતા. ત્યાં એમણે ખભા પર કોઈકના હાથના મૃદુ સ્પર્શનો અનુભવ કર્યો. જોયું તો રવીન્દ્રનાથ! અત્યંત સ્નેહાર્દ્ર સ્વરમાં રવીન્દ્રનાથે કહ્યું, “નંદ, તારે પણ અમારા શાંતિનિકેતનમાં આવી જવું જોઈએ. ત્યાં આવીને તું કલાભવનને તારા હાથમાં લઈ લે તો હું નિશ્ચિંત થઈ જાઉં.” આ પહેલાંય એ દર શનિ-રવિએ શાંતિનિકેતન જઈને આશ્રમનાં બાળકોને કલાનું શિક્ષણ આપતા હતા. નંદલાલનું મન તો શાંતિનિકેતન જવા ઝંખી રહ્યું હતું. આથી સોસાયટીની સારા પગારની નોકરી છોડીને નંદલાલે શાંતિનિકેતનની માસિક સાઠ રૂપિયાની નોકરી લીધી. આમ ૧૯૨૧માં, ૪૦ વર્ષની વયે, નંદલાલ હંમેશને માટે શાંતિનિકેતન આવી ગયા. રવીન્દ્રનાથની અનેક વર્ષોની આકાંક્ષા પૂરી થઈ. શાંતિનિકેતનથી નંદલાલના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. અહીંના વાતાવરણમાંની પ્રકૃતિની લીલા, સંગીતના સૂરો, પક્ષીઓના કલરવ, હરિયાળાં ખેતરો, ખુલ્લાં મેદાનો, સાંથાલ આદિવાસીઓ—આ સર્વનો પ્રભાવ એમની કળા પર ઘેરો ને ઊડો પડ્યો. એમનું હૃદય અહીંની શાંતિ સાથે એકાકાર થઈ જતું. આથી એમની કળાને અનુપમ વિસ્તાર મળ્યો. હવે એમનાં ચિત્રોમાં નવા નવા વિષયો આવ્યા, જેમકે ડુક્કર, ગધેડાં, કીડા-મંકોડા, વીંછી, સાંથાલો, ઋતુ-ઉત્સવો વગેરે. નંદબાબુ જ્યારે કોલકાતામાં હતા, ત્યારે એમણે મુખ્યત્વે દેવી-દેવતાઓનાં ચિત્રો બનાવેલાં. હવે કેમ જાણે નંદલાલ દેવપ્રયાગથી ગ્રામપ્રયાગ આવી ગયા! ૧૯૩૦માં રવીન્દ્રનાથ વિદેશ ગયા. સાથે પોતાનાં ચિત્રો પણ લઈ ગયેલા. પેરિસ, લંડન, બરમિંઘમ, બર્લિન, મોસ્કો તથા યુરોપનાં અન્ય નગરોમાં એ પ્રદર્શિત થયાં. કલાપારખુઓએ ચિત્રકાર તરીકે કવિનું જે સ્વાગત કર્યું, એ કલ્પનાતીત હતું. આનંદની આ ક્ષણોમાં કવિએ નંદલાલને યાદ કર્યા અને ઇંગ્લૅન્ડથી પત્ર લખ્યો: નંદ, મારાં ચિત્રો શાંતિનિકેતનના કલાઆદર્શોને વિશ્વમંચ પર પ્રતિષ્ઠિત કરવામાં સમર્થ થયાં છે. ખરી રીતે તો આ ખ્યાતિનો બૃહત્ અંશ તારો છે. અનેક પ્રકારથી તેં મને પ્રેરિત કર્યો છે, મારું કાર્ય જારી રાખવા સદા ઉત્સાહિત કર્યો છે. કલાભવન માત્ર એક કલા વિદ્યાલય નથી, એ તારા જીવંત બલિદાનથી બનેલો પક્ષીનો માળો છે. કદાચ એના લીધે જ મારી સુકાયેલી ડાળ પર અચાનક ફળ બેઠાં છે. વાંસ વિશે તું જાણે જ છે કે એક લાંબા ગાળા પછી, પોતાના જીવનનો ખેલ સમાપ્ત કરતાં પહેલાં, કોઈક અપ્રત્યાશિત ક્ષણે, એ પોતાનું છેલ્લું ફૂલ ખીલવે છે. મારી આ જ સ્થિતિ છે. અસ્ત થતાં પહેલાં સૂર્ય દ્વારા પશ્ચિમ ક્ષિતિજ પર રંગનું પાત્ર ઢોળી દેવા જેવું છે આ. ક્યારેક નંદલાલનું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ જતું કે ગુરુ અવનીન્દ્રનાથ અને ગુરુદેવ રવીન્દ્રનાથ બંને કેટલી હદ સુધી એને સ્નેહ કરે છે, એ કેવા તો ભાગ્યશાળી છે. પરંતુ નંદલાલને ખબર નહોતી કે એમને લગભગ આવો જ સ્નેહ હજી એક વ્યકિત પાસેથી મળવાનો હતો. એ હતા મહાત્મા ગાંધી.