સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ગંગર/ચાર્લી ચૅપ્લિન

          વસંતના કૂણા તડકાની એક બપોરે સ્વિટ્ઝર્લૅન્ડના નાનકડા વવ્વે (Vevey) શહેર પાસે આવેલા શાંત, રમ્ય અને વિશાળ સરોવર ‘લેક જિનીવા’ના કાંઠે ઊભેલા એક પૂતળાની સમક્ષ હું ઊભો છું. હિમાચ્છાદિત ભવ્ય આલ્પ્સ પર્વતમાળાની સન્મુખ પોતાની આગવી અદામાં ઊભેલા કાળા રંગના પૂતળાના હાથમાં વાંકી વળી ગયેલી સોટી છે, માથે ટોપો, ઢીલું કોથળા જેવું પાટલૂન, ટૂંકો સાંકડો કોટ અને બેઢંગા, કદરૂપા જોડા પહેરેલા, ટૂથબ્રશ મૂછવાળા આ ઇન્સાનથી દુનિયાની ભાગ્યે જ કોઈ વ્યક્તિ અજાણ હશે. એક ક્ષણ માટે તો મને એવું લાગ્યું કે જાણે હમણાં જ પૂતળામાં પ્રાણ પુરાશે અને પછી જીવતા જાગતા ચાર્લી ચૅપ્લિન પૅન્ગ્વિન પક્ષીની જેમ ડગુમગુ ડગુમગુ ચાલતાં ચાલતાં દૂર ક્ષિતિજમાં ઓગળી જશે પડદા પર. ૧૯૧૪માં અભિનેતા તરીકે ફિલ્મક્ષેત્રમાં પ્રવેશેલા ચાર્લી ચૅપ્લિનને ૮૧ વર્ષ પછી, ૧૯૯૫માં, ફિલ્મસમીક્ષકોના એક વૈશ્વિક સર્વેક્ષણે સમસ્ત ફિલ્મ ઇતિહાસના સૌથી મહાન અભિનેતા તરીકે (મરણોત્તર) જાહેર કર્યા હતા. ફિલ્મસર્જનનાં વિવિધ પાસાંઓના નિષ્ણાત તરીકે ચાર્લી ચૅપ્લિન અજોડ હતા. ફિલ્મનિર્માણ, પાત્રનિર્ધારણ, દિગ્દર્શન, પટકથાલેખન, સંગીતબાંધણી વગેરે ચૅપ્લિન પોતે જ કરતા. અને વળી અભિનય તો ખરો જ! ૧૯૨૦ના દાયકા સુધીમાં તો ચૅપ્લિન અત્ર તત્ર સર્વત્ર છવાઈ ગયા હતા. તેમના ‘લિટલ ટૅરમ્પ’ (ઝવેરચંદ મેઘાણી અને વાડીલાલ ડગલી જેને રખડુ-મુફલિસ કહેતા)ની અનેક પ્રકારે નકલો થવા માંડી હતી-નૃત્યોમાં, ગીતોમાં, અભિનયમાં, જાહેરખબરોમાં. આજે પણ આવા નકલ-નુસખાઓ થયા જ કરે છે. ચૅપ્લિનનો ‘લિટલ ટ્રૅમ્પ’ જગતના ફલક પર એક પ્રતિમા બની ગયો છે. ચાર્લી ચૅપ્લિનનો જન્મ ૧૮૮૯માં લંડનમાં થયો હતો. પિતા ચાર્લ્સ ચૅપ્લિન અને માતા હૅના હિલ (નાટકોમાં તે લીલી હાર્લે તરીકે ઓળખાતી) વ્યંગ નાટકોના કલાકારો. પિતા દારૂડિયા, ૧૯૦૧માં નાની વયે ગુજરી ગયા. પુત્ર ચાર્લીનું નામ પણ ચાર્લ્સ જ હતું. ચાર્લી નાના હતા ત્યારે જ પિતાએ બીજાં લગ્ન કરી લીધાં હતાં. ચાર્લી પિતાના પ્રેમથી વંચિત રહ્યા હતા. નવી માતા ખૂબ ભલી અને સ્વમાની હતી. પણ ઘરની હાલત અતિ ખરાબ. કમાણી નજીવી. બે સંતાનોનું પાલન કરવું ભારે પડે. ચાર્લીના ઓરમાન ભાઈ સિડની, હૅનાના અગાઉના પતિ સિડની હોક્સનું સંતાન હતો. હૅનાનું ગળું ખરાબ થઈ જતાં કામકાજ મળે નહીં. ભૂખમરાના લીધે તે માનસિક અસ્થિરતાનો ભોગ બની. અવારનવાર ધર્માદા ઇસ્પિતાલના ધક્કા ખાધા કરતી. એ પહેલી વાર ગાંડાની ઇસ્પિતાલમાં ગઈ તે સમયને યાદ કરતાં હૅના, નાનકડા ચાર્લીને કહેતી કે, “ક્યાંયથી પણ તું મારા માટે ચાનો એક પ્યાલો પણ લાવી શક્યો હોત તો હું આમ ગાંડી ન થઈ જાત!” આ વાતને ચૅપ્લિન જંદિગીભર ભૂલી નહોતા શક્યા. માતાને મદદ કરવા માટે પાંચ વર્ષની કુમળી વયમાં ચાર્લી તખ્તા પર આવી ગયા, ફાવી પણ ગયા. પ્રેક્ષકો આ ભૂલકા પર આફરીન હતા. આઠ વર્ષની ઉંમરે ચાર્લી નાટકમંડળીમાં અભિનય કરતા થયા, અને થોડા જ સમયમાં ઇંગ્લૅન્ડના સૌથી લોકપ્રિય બાળકલાકાર થઈ ગયા. પણ ગરીબાઈએ હજી પીછો છોડ્યો નહોતો. માતાની તબિયત ખરાબ. બેઉ ભાઈઓને અનાથાશ્રમમાં રહેવું પડે. ચાર્લી શાળામાં ફક્ત બે જ વર્ષ જઈ શક્યા. માતાની તબિયત જ્યારે સારી હોય ત્યારે ભૂખમરામાં પણ બાળકોને લાડ લડાવતી. દરમિયાન પેટિયું રળવા માટે ચાર્લીને હજામના મદદનીશ તરીકે, ઝાડુ વાળનાર તરીકે, પટાવાળા તરીકે, છાપખાનાના કારીગર તરીકે, છાપાના ફેરિયા તરીકે, કઠિયારાના મદદનીશ તરીકે, રમકડાં વેચનાર તરીકે, એવાં અવનવાં કામો કરવા પડ્યાં હતાં. ૧૯૦૩થી ૧૯૦૬ દરમિયાન ‘શૅરલોક હોમ્સ’ નાટકમાં અભિનય કરવાની તક ચાર્લીને મળી. તે પછી તે એક સરકસમાં મૂક અભિનેતા તરીકે જોડાયા. અને પાછા નાટક કે વિવિધ મનોરંજન પીરસતી મંડળીઓમાં જોડાઈ ગયા. અને અહીં જ તેમણે રમૂજી મૂક અભિનયની પોતાની આગવી શૈલી વિકસાવી. ૧૯૦૭માં કાર્નો પૅન્ટોમાઇમ મંડળીમાં જોડાયા અને પ્રથમ વાર ૧૯૧૦માં અમેરિકા અને કૅનેડાનો પ્રવાસ કર્યો. ૧૯૧૩માં એડમ કૅસેલ સાથે કોન્ટ્રેક્ટ કર્યો. ન્યૂ યોર્કની કીસ્ટોન ફિલ્મ સ્ટુડિયોમાં કૅસેલ ભાગીદાર હતા. ચૅપ્લિનનો પગાર અઠવાડિયાનો ૧૨૫ ડોલર નક્કી કરાયો, જે વધીને તરત ૧૫૦ ડોલર થયો. તેમણે કીસ્ટોન માટે ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું. ૧૯૧૫માં ચૅપ્લિન પ્રથમ વાર ટ્રૅમ્પ તરીકે ‘ધ ટ્રૅમ્પ’ ફિલ્મમાં રજૂ થયા. બેઘર, નિ :સહાય અને તદ્દન એકલો અટૂલો ટ્રૅમ્પ એટલે મુફલિસ. હવે ચૅપ્લિને પોતાના ‘ટ્રૅરમ્પ’ની શોધ કરી લીધી હતી. ઠીંગણો, અંગ મરોડતો, નાનકડી કાળી મૂછોવાળો; ટૂંકો સાંકડો કોટ, લઘરવઘર પાટલૂન, બબૂચક જેવા જોડા પહેરતો અને પૅન્ગ્વિન પક્ષી જેવી ચાલ ચાલતો ચૅપ્લિનનો રમૂજી ‘ટ્રૅમ્પ’, રખડુ મુફલિસ હવે જગતમાં અમર થઈ જવાનો હતો. બાળપણમાં જોયેલી ગરીબાઈએ ચૅપ્લિનને પોતાની આગવી અભિનયશૈલી સર્જવા માટે પ્રેરણા આપી. ચૅપ્લિને આગવો કરુણરસ સર્જ્યો અને પોતાની મનોવેદનાને પ્રગટ કરવા તેમણે આપણને સૌને હસાવ્યાં. કદાચ રડાવ્યાં તોપણ હસાવીને! આજે પણ તેમની ‘ધ ગોલ્ડ રશ’, ‘ધ કિડ’ અને ‘સિટી લાઇટ્સ’ જેવી મૂક ફિલ્મો જીવંત અને રસપ્રદ રહી છે. ‘ધ ગોલ્ડ રશ’ ફિલ્મના એક દૃશ્યમાં ભૂખે મરતો ચાર્લી પોતાનાં ખાસડાં બાફીને પ્રેમથી ખાય છે. બૂટની દોરી તો એમ ખાય છે કે જાણે સ્વાદિષ્ટ મીઠી સેવ ખાતો હોય! અને બૂટના તળિયામાંની ખીલીઓ ચૂંટીને એવી રીતે ચૂસે છે કે જાણે મરઘીનાં મસાલા ભરેલાં હાડકાં ચૂસતો હોય! ચાર્લીની સાથે તેનો જાડોપાડો સાથી પણ છે, પણ તેને બાફેલાં ખાસડાં ગળે ઊતરે નહીં. અને તેનો જઠરાગ્નિ ભડકે બળતાં, તેને ચાર્લી પોતે મરઘા જેવો દેખાય છે-, ત્યારે ને ત્યારે કાચો ને કાચો ભૂખ ભાંગી નાંખે તેવો મરઘો! અને પછી લાકડાની જે કૅબિનમાં તે બેઉ બેઠા છે તે વાવાઝોડામાં સપડાઈને પર્વતની ધાર પર પડુંપડું થાય છે. પણ બહાર શું થઈ રહ્યું છે તેનું આ બેઉને ભાન નથી. કૅબિન અસમતોલ થતાં એમને એવું લાગે છે જાણે ખાસડાં ખાવાથી પેટમાં તોફાન મચ્યું છે! કૅબિન ધાર પર લટકીને નીચે પડે છે તે પહેલાં ટ્રૅમ્પ બહાર આવી ગયો હોય છે. સર્વત્ર બરફ છવાયેલો છે. જોનારાના જીવ અધ્ધર થઈ જાય અને સાથે હસી હસીને લોથપોથ પણ થઈ જવાય. ૧૯૩૧માં ચાર્લીએ ‘સિટી લાઇટ્સ’ ફિલ્મ બનાવી ત્યારે મૂક ફિલ્મોનો જમાનો લગભગ ખતમ થવા આવ્યો હતો. જગતની પહેલી બોલતી ફીચર ફિલ્મ ‘ધ જૅઝ સંગિર’ ૧૯૨૭માં બની ગયેલી. અને હવે બધા ફિલ્મનિર્માતાઓને બોલપટની ઘેલછા લાગી હતી. પણ બોલપટ આવ્યા પછી તેર તેર વર્ષો સુધી ચૅપ્લિને મૂક ફિલ્મો બનાવવાનું જ જારી રાખ્યું. ‘સિટી લાઇટ્સ’ના પ્રથમ દૃશ્યમાં આપણે શાંતિ, સમૃદ્ધિ અને સ્વાધીનતાને સમર્પણ એવી ત્રણ મોટી પ્રતિમાઓનું, હજારો નાગરિકોના હર્ષોલ્લાસ અને તાળીઓના ગડગડાટ વચ્ચે શહેરના ચોકમાં ઉદ્ઘાટન થતું જોઈએ છીએ. પણ જ્યારે પ્રતિમાઓ ખુલ્લી મુકાય છે ત્યારે સમૃદ્ધિની પ્રતિમાના ખોળામાં એક ગરીબ માણસ સૂતેલો દેખાય છે. ‘દેશની સમૃદ્ધિના આરસપૂતળાને ખોળે એક ચીંથરેહાલ, બદસિકલ, બાઘો, બેકાર માનવી ટૂંટિયું વાળીને ઘોરતો પડ્યો છે.’ (ઝવેરચંદ મેઘાણીના ‘પ્રતિમાઓ’ પુસ્તકમાં આ ફિલ્મનું મેઘાણીએ તેમના શબ્દોમાં વાર્તારૂપે અનેરું વર્ણન કર્યું છે.) ચૅપ્લિનની બધી ફિલ્મો પૈકી ‘સિટી લાઇટ્સ’ તેમની ખૂબ પ્યારી ફિલ્મ રહી છે. ચૅપ્લિનના ટ્રૅમ્પની સમસ્ત કારકિર્દીમાં ‘સિટી લાઇટ્સ’ એક એવી ફિલ્મ છે જેમાં તે એક પ્રકારના સંતપણાને પામે છે.

[‘ચાર્લી ચૅપ્લિન’ પુસ્તિકા : ૨૦૦૩]