સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/રોકો

લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો
આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે’ર બળે છે રોકો
ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો...
ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો
શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો...
છે ઇમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો
[‘ગઝલના આયનાઘર’ પુસ્તક]