સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આનંદરાવ લિંગાયત/આંબેડકરની વ્યથા

Revision as of 11:42, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૩૫ની સાલ.... નાસિક પાસેના એક નાના ગામમાં મહારાષ્ટ્રના અસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ૧૯૩૫ની સાલ.... નાસિક પાસેના એક નાના ગામમાં મહારાષ્ટ્રના અસ્પૃશ્યોએ, હિંદુ મંદિરમાં પ્રવેશ મેળવવાના પોતાના અધિકાર માટે, છેલ્લાં પાંચ વર્ષથી સત્યાગ્રહ આદર્યો હતો. એ સ્થળે ડૉ. આંબેડકરે ઘોષણા કરી : ‘હું જન્મ્યો છું હિંદુ, પણ હિન્દુ તરીકે નહીં મરું.’ ત્યાર પછીના વર્ષે એમણે મહારાષ્ટ્રના મહાર લોકોની એક જંગી જાહેર સભા બોલાવી હતી અને સમગ્ર અછૂત જનતાને ધર્મ બદલવાની હાકલ કરી હતી. એ સભામાં એમણે કવિતારૂપે કરેલા સંબોધનનું ગુજરાતી રૂપાંતર નીચે આપ્યું છે : સ્વમાન મેળવવું હોય, તો તમારો ધર્મ બદલો. અધિકાર જોઈતો હોય, તો તમારો ધર્મ બદલો. સમાનતા જોઈતી હોય, તો તમારો ધર્મ બદલો. સ્વતંત્રતા જોઈતી હોય, તો તમારો ધર્મ બદલો. તમે સુખ-શાંતિથી જીવી શકો એવું જગત નિર્માણ કરવું હોય, તો તમારો ધર્મ બદલો. એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને એનાં મંદિરોમાં પ્રવેશ નથી કરવા દેતો? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને પીવાનું પાણી નથી ભરવા દેતો? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને શિક્ષણ નથી લેવા દેતો? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને સારી નોકરી કરતાં અટકાવે છે? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે ડગલે ને પગલે તમારું અપમાન કર્યા કરે છે? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમારી મર્દાનગીની કિંમત નથી કરતો? જે ધર્મ માનવ-માનવ વચ્ચે માનવતાભર્યા વર્તનનો બહિષ્કાર કરે છે, એ ધર્મ નહીં પણ ક્રૂર શિક્ષા છે. જે ધર્મ માનવ-સન્માનને પાપ ગણે છે, એ ધર્મ નહીં પણ બીમારી છે. જે ધર્મ ગંદા પ્રાણીને સ્પર્શવાની છૂટ આપે છે, પણ માણસને નહીં, એ ધર્મ નહીં પણ પાગલપણ છે. જે ધર્મ કહે છે કે સમાજનો એક વર્ગ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં, દ્રવ્ય પ્રાપ્ત કરી શકે નહીં, શસ્ત્ર ધારણ કરી શકે નહીં, એ ધર્મ નહીં પણ માનવતાની હાંસી છે. જે ધર્મ એવું શિખવાડે છે કે ગરીબે ગરીબ જ રહેવું જોઈએ, ગંદાએ ગંદા જ રહેવું જોઈએ, એ ધર્મ નહીં પણ શિક્ષા છે. જે લોકો પોકાર્યા કરે છે કે જીવ માત્રામાં પ્રભુ છે અને છતાં માનવને પ્રાણી કરતાં પણ હલકો ગણે છે, એ બધા દંભી છે; એમનો સહવાસ ના રાખશો. જે કીડીઓને સાકરના કણ ખવરાવે છે પણ માણસને પાણી વગર રાખે છે, એ બધા દંભી છે; એમનો સહવાસ ના રાખશો. જેઓ પરદેશીઓને ગળે લગાવે છે પણ દેશબંધુઓથી છેટા રહે છે, એ સમાજના વિશ્વાસઘાતીઓ છે; એમનો સહવાસ ના રાખશો.