સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઇન્દુકુમાર જાની/સંભારણું

          વ્યારાના ભંગીવાસ તરીકે ઓળખાતા મહોલ્લામાં ઝીણાભાઈ દરજી નિયમિત જતા. એક વાર ત્યાંના ઝવેરભાઈએ પ્રશ્ન કર્યો, “હેં ઝીણાભાઈ, તમે અમારી સાથે પ્રાર્થના કરવા ને કાંતવા આવો છો, અમને ભણાવો છો ને મીઠાઈ ખવડાવો છો, પણ જે કામ અમારે કરવું પડે છે તે તમે પણ કોઈક વાર કરતા હો તો?” એટલે ઝીણાભાઈના મંડળે મળની સફાઈ કરવાનું ઠરાવ્યું. મંડળના ૫૦ સાથીઓમાંથી ૧૪ તેમાં જોડાયા. વાંસની તૂટેલી ટોપલી, ઠીકરાંથી મળ ભેગો કરવાનો, ડોલમાં ભરવાનો, અને એ ડોલ માથા પર મૂકીને ડેપો સુધી લઈ જવાની. અગાઉ ૧૯૩૮માં કોંગ્રેસનું અધિવેશન હરિપુરા ગામે ભરાયેલું. તેમાં ૧૯ વર્ષના ઝીણાભાઈ સ્વયંસેવક તરીકે ગયેલા. તાપી નદીના કાંઠે પડેલા મળની સફાઈનું કામ તેમની ટુકડીને સોંપાયેલું. ત્યારે સૂપડીથી મળ ઉપાડવાનું કામ એકલા ઝીણાભાઈને જ કરવું પડેલું. પછી એ સૂપડીને અધિવેશનના સંભારણા તરીકે ઝીણાભાઈ પોતાને ઘેર લેતા આવેલા.

[‘નયા માર્ગ’ પખવાડિક: ૨૦૦૪]