સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/અખૂટ જીવનરસ

          ‘વજુભાઈ’ કહીએ એટલે બધું આવી ગયું. ‘શાહ’ લગાડવાની પણ જરૂર નહીં. એ ગુજરાત રાજ્યના પ્રધાન હતા એ યાદ પણ આવે નહીં. સત્તા, વૈભવ, વગ-વસીલાના માણસ જ નહીં. સમજના અને સમજાવટના માણસ. તમને કોઈ સમજે એવું તમે ઝંખો છો? તો વજુભાઈ બેઠા છે. કોઈ ઝઘડાખોર કોઈ ઉપાયે સમજતો નથી? તો વજુભાઈનો ઉપાય અજમાવી જુઓ. વજુભાઈનો કોઈ ડારો નહીં, લાલ ડોળો નહીં. મૂળ સોતા ઉખેડી નાખશે એવો જેને અંગે જરીકે અંદેશો નહીં, સત્તા ઉપર હોય તોય તે નહીં એટલે નહીં,—એ વજુભાઈ. પાસે બેસીને જાણે દિલ પસવારતા હોય એમ ગાતા ગાતા બોલતા હોય એવી એમની એકધારી વાણી વહ્યા કરે. કાળી બંડી, ગૌર વર્ણ, શરીર કૃશ પણ ચહેરોમહોરો મોટો, અંદર ખાડા તો ખરા જ, આંખ ચકોર, સમજુ, ઉમંગી, કપાળ ઉપર ઢળતી લટ—વજુભાઈના વ્યકિતત્વમાં એક જાતની કુમાશ હતી. હૃદયનો કળાકાર માણસ. વજુભાઈમાં અખૂટ જીવનરસ—છેલ્લાં વરસો માંદગીમાં ગયાં, પણ મળીએ ત્યારે વરસોનાં વરસ જીવવાના હોય એમ કાંઈ ને કાંઈ નવીન યોજના—નવીન વિચારની માંડણી કરે. ચિ. અમિતાનાં લગ્ન લેવાયાં ત્યારે કહે: આપણી દીકરી બીજા પ્રદેશમાં જાય છે ત્યારે એમ થાય છે કે ગુજરાતી ગદ્યની ઉત્તમ ચિંતન કંડિકાઓ એકઠી કરીને એક પુસ્તિકા સુંદર રીતે છાપીને રજૂ કરીએ. આ બધું બોલે ત્યારે એમની કોડભરી આદર્શમયતા આપણા હૃદયને સ્પર્શી જાય.