સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/અજબ પુષ્પ માનવ્યનું

મુલાયમ ગુલાબ — શું હૃદય, ધૈર્ય મેરુ સમું.
પ્રચંડ પુરુષાર્થધોધ, નભશાં ઊંડાં સ્વપ્ન કૈં.
ન કોઈ પ્રતિ દ્વેષ, સત્ય પછી છોડવું શે પડે?
ન કોઈ ભય, વર્તવું ક્યમ પડે જ હિંસાથી તો?
વહાલ થતું વેરીનેય, ઉર આર્દ્રતા એહવી.
કશી તપકઠોર જીવન મહીં થઈ સંચિત
દશે દિશથી ઊભરી સભર વિશ્વની શ્રી બધી!
જવાહર, ખીલ્યા તમે અજબ પુષ્પ માનવ્યનું.
અશોક, અકબર, જવાહર, — ત્રિમૂર્તિ એ હિંદની,
વળાંક ઇતિહાસ લે, પ્રગટ ત્યાં થઈ, સાંકળે
ભવિષ્ય થકી ભૂત, ભવ્ય યુગસન્ધિ લે સાચવી.
ન હિંદની જ માત્રા એ વરવિભૂતિઓ;
વૃક્ષ જે ખીલે જગકુટુંબરાજ્ય તણું તે તણા માળી તે.
જવાહર, તમે સીંચ્યું અમૃત હિંદ-આત્માનું ત્યાં.
[‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૬૫]