સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કયા જંગલમાંથી ઘડી લાવીએ?

          ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાંઘણાં વાંચવા જેવાં પાનાં કેમ મળતાં નથી? વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વરસેદહાડે થઈને પણ કેમ ગણ્યાગાંઠયા પણ મળતા નથી, એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે. આપણી કલમો કવિતા, વાર્તા, ધર્મ અને રાજકારણ એ સિવાય જાણે કશામાં રસ લઈ જ શકતી ન હોય એવું દેખાય છે, અને આ બધાંમાં પણ નિર્જીવ અને રોગિષ્ટ અર્પણો જ ઘણાંખરાં તો હોય છે. પલટાતા જગતપ્રવાહોનું સ્થિર દૃષ્ટિએ આકલન કરનારી, જીવનના પાયાના પ્રશ્નાો સાથે બાથ ભીડનારી, રાગદ્વેષના ઝંઝાવાતો વચ્ચે સત્યને માટે અકંપ ઊભનારી, સમાજ, રાજકારણ, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન એ બધાં ફલકો ઉપર સ્વસ્થપણે વિચરનારી કલમો તો કયા જંગલમાંથી ઘડી લાવીએ? [‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૪૮]