સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કવિતા અને કવિ

          પહેલાં કરતાં કવિતાને માટે પ્રચારનાં સાધનો ખૂબ વધ્યાં છે. કવિતા થોડા સમયમાં ઘણાંઓ સુધી પહોંચી શકે એ સંભવિત બન્યું છે. આમાં કેળવણીનો વધતો જતો પ્રચાર, પાઠ્યપુસ્તકો દ્વારા બહોળા વિદ્યાર્થી-સમુદાય સુધી કવિતાનું પહોંચવું, કવિ અને રેડિયો દ્વારા થતી કવિતાની રજૂઆત—આ બધાંએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. પહેલાંના ઉત્તમ કવિઓની કવિતા પણ આટલી સહેલાઈથી બહોળા વર્ગ સુધી પહોંચી શકે એવું ન હતું. તો એમ માનવું કે કવિતા લોકપ્રિય થઈ છે? શું ખરેખર કવિતા લોકોના જીવનમાં એક મહત્ત્વના અંશરૂપ બની છે? સહેજ વિરોધાભાસ જેવું લાગશે, પણ મને તો એમ લાગે છે કે અત્યારના સમયમાં એક પ્રજા તરીકે આપણે ઓછામાં ઓછી કવિતાથી ચલાવીએ છીએ. આપણાં જૂનાં માણસોનું જીવન તપાસીશું તો દેખાશે કે તેમના જીવનમાં કવિતા ઠીક ઠીક મહત્ત્વનો ભાગ ભજવતી. પ્રેમાનંદનાં ‘હૂંડી’, ‘મામેરું’, ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો અનેક વાર એમણે માણ્યાં હોય. અનેક ગરબી-ગરબા, ભજનો, પ્રભાતિયાં, વ્રતકથાઓ, દુહા, કહેવતો, ઉખાણાં—આ આપણાં અભણ ગણાતાં ભાંડુઓને કંઠે હોય. જ્યારે, એમના પ્રમાણમાં, ભણેલા માણસોને કેટલી ઓછી કાવ્યપંકિતઓ મોઢે હોય છે? જૂનાં માણસોની વાણીનું પોત અનેક વાર લોકોકિતઓ અને રૂઢિપ્રયોગોથી ભાતીગળ અને સોહામણું જોવા મળે છે, જ્યારે આપણા જમાનાનાં માણસો વિશે એવું હિંમતભેર કહી નહિ શકાય. ટૂંકામાં, અભણ ગણાતાં માણસો જીવનમાં કવિતા વિના ચલાવી લેતાં નથી, પણ ભણેલા વર્ગે કવિતા વગર જીવવાની કળા હસ્તગત કરી હોય એવું દેખાય છે. ઉપરાંત, ભણેલાં માણસો એકબાજુ જૂના શિષ્ટ સાહિત્યથી અને લોકસાહિત્યથી દૂર પડી ગયાં છે, તો બીજી બાજુ પોતાના જમાનાની સાચી સર્જક કવિતા કરતાંય વધુ તો કવિતાનો લેબાસ ધારણ કરેલી કૃતિઓનો એમને જ્યાં ને ત્યાં ભેટો થતો હોય છે. વારંવાર કાને અથડાતાં સિનેમાગીતો અને એને મળતી રચનાઓનો જેની રુચિ ઉપર પ્રભાવ પડતો હોય, અને છાપાં જેની ભાષા ઉપર છાપ પાડતાં હોય, તેવા વર્ગ સામે કવિતા કરવાની હોય ત્યારે કવિને માટે પણ કવિતાની ખોજ વધુ કપરી બને છે. કવિતા માટે ઉપરથી અનુકૂળ લાગતી, પણ વસ્તુત: એવી ન હોય એ જાતની પરિસ્થિતિમાં સમકાલીન કવિતા રચાઈ છે.

કવિતાનો સાચો ભક્ત કવિતાકલ્પનાના કૃપાકિરણની રાહ જોનારો છે. કવિ તો અહોરાત પોતાના હૃદય-મનને મનનસંવેદને પલોટતો જાય, પલોટતો જાય, જેથી પાંચે-દસે-વીસે વરસે જો ખરેખર કવિતા ક્ષણેક માટે પણ એનાં અમોઘ દર્શનની બક્ષિસ આપી જાય, તો તેને ઝીલવાને માટે પોતાની તૈયારી ન હતી એમ તો ન થાય. કવિના હાથમાં આથી બીજું છે પણ નહિ. એ તો એની જાળ બિછાવી રાખે. પછી ક્યારેક પેલું દર્શન પંખી સ્વયં નહિ તો એનો પડછાયો પણ પળેક માટે એમાં સપડાઈ જાય ને, તોય જીવન ધન્ય ધન્ય થઈ જાય.

પોતાના લખાણ સિવાય બીજું વાંચી શકવાને કેવળ અસમર્થ એવા વર્ગનું આપણે ત્યાં અસ્તિત્વ હોવાનો મને ભય છે. આ અજ્ઞાનનો કેફ એ તો કલાકારને માટે આત્મઘાતક ગણાય. તમે જગતને શીખવવા કે આનંદ આપવા નીકળ્યા છો, તો આજ સુધી જે મહાપુરુષો શીખવતા કે આનંદ આપતા આવ્યા છે એમનો અવાજ તો બે ઘડી સાંભળી લો! મહાન કલાસર્જકોનાં પગરખાંમાં બેસવાનો અધિકાર સિદ્ધ કલાકૃતિઓનાં સતત પરિશીલન વિના મેળવી શકાય કે કેમ, એ શંકાની વાત છે. અને એ વસ્તુ કલાકારે મેળે મેળે જ કરવાની રહે છે. કલાકારને પેદા કરવાની કોઈ નિશાળ હોઈ શકતી નથી. કલાકારે તો પોતે જ પોતાની યુનિવર્સિટી બનવાનું છે. અપૂર્વ મૌલિકતાસંપન્ન કવિ શેક્સપિયર કોઈ મહાશાળામાં ભણેલો ન હતો. તો પછી એની કવિતામાં જે શકિત છે, તે આવી ક્યાંથી? કોલરિજ કહે છે: “એવા મોટા શેક્સપિયરે પણ પહેલાં ધીરજપૂર્વક અભ્યાસ કરેલો, ચિંતન કરેલું અને સૂક્ષ્મતાથી જગતને સમજવા પ્રયત્ન કરેલો. અને તે ક્યાં સુધી? એ જ્ઞાન પોતાની સમગ્ર સ્વાભાવિક લાગણીઓ સાથે ગૂંથાઈ ગયું અને પરિણામે ગંજાવર શકિતને જન્મ આપી શક્યું ત્યાં સુધી.” મેથ્યુ આર્નોલ્ડે શેક્સપિયરને સ્વયંશિક્ષિત કવિ કહ્યો છે. કવિ નામને પાત્ર સહુ કોઈ સ્વયંશિક્ષિત હોય છે.

કવિઓ લાંબાં કાવ્યો લખે તેમાં તો દરેકેદરેક શ્લોક આખી કૃતિની સાથે બંધાયેલો હોય. પણ ક્યારેક તેઓ છૂટક શ્લોક લખે, તે મુક્તકના નામથી ઓળખાતો. એવા એક શ્લોકમાં પણ જીવનનો કોઈ એવો અનુભવ રજૂ થયો હોય—અને તે એટલી તો સુંદર રીતે રજૂ થયો હોય—કે સાંભળતાંની સાથે એ શ્લોક મનમાં રમી રહે; એટલું જ નહિ, જીવનમાં ભાથારૂપ બની રહે. મોટા કાવ્યગ્રંથો અભ્યાસી વર્ગમાં આસ્વાદાય, પણ આવાં છૂટાં મુક્તકો તો લોકહૈયે ને લોકજીભે વસી જાય. દરેક ભાષાના લોકસાહિત્યમાં પાણીદાર મોતી જેવાં મુક્તકો હોય છે. ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં દુહા ને સોરઠા મળે છે તે મુક્તકો જ છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓની લાંબી રચનાઓ વચ્ચે વચ્ચે વેરાયેલાં મુક્તકો મળશે. નવીન કવિઓમાં કાવ્યની ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ મુક્તકો સુન્દરમ્ પાસેથી મળે છે, તેવાં ભાગ્યે જ બીજા કોઈ કવિ પાસેથી મળે છે. ગઝલનો પ્રકાર એ જાતનો છે કે એક પછી એક મુક્તકરૂપી મૌકિતકો પરોવાતાં આવે, અને આખી કૃતિનો હાર તૈયાર થઈ જાય. મુક્તકો લખવાં મુશ્કેલ છે. અજાણ્યા લોકકવિના દુહા-સોરઠા જેવા દુહા-સોરઠા દસકામાં એકબે પણ જવલ્લે જ મળે છે.

કવિતા શબ્દની કલા છે. શબ્દને બે વાનાં હોય છે: એક તો અવાજ, જેને લીધે એ અસ્તિત્વમાં આવે છે; અને બીજું, એ અવાજને પ્રતીક ગણી તેમાં આરોપિત થયેલો અર્થ. કુશળ કવિઓ શબ્દના બંને અંશનો પૂરેપૂરો કસ કાઢે છે. કવિતા મૂળ તો કાનનો વિષય છે. છતાં કવિ માત્ર આપણા કાનનું જ રંજન કરીને બેસી રહેતો નથી. તે શબ્દો દ્વારા ચિત્રો ઉઠાવી આપણી નજર આગળ ખડાં કરી દે છે. કોઈ કોઈ કવિઓ આપણી બીજી ઇંદ્રિયોનું પણ ઉદ્બોધન કરે છે. દરિયાનું એવું વર્ણન કરે કે પાણીની ખારાશ તમારી જીભ ઉપર વસી જાય. એટલું જ નહિ, નાકને પણ તેની ખબર પડે. આમ આપણી વિવિધ ઇંદ્રિયગ્રાહ્ય સમૃદ્ધિને આપણા કલ્પના-દેશમાં સંક્રાન્ત કરવા કવિ બીડું ઝડપે છે. કોઈ વીરલા જ એમાં પૂરી સફળતા મેળવે છે. હૃદયની મુલાયમ લાગણીઓને, અડવા જાઓ ને કરમાઈ જાય એવી લજામણીના છોડ જેવી લાગણીઓને, કુશળ કવિઓ સફળતાપૂર્વક સ્પર્શે છે—અને તે, આંસુથી તેમને ખરડાવા દીધા સિવાય. કવિ પોતાને ફાવી ગયેલી લઢણનું પુનરાવર્તન કર્યા કરે, તો તેમાં એની સર્જકતા ક્યાં રહી? કૃતિએ કૃતિએ કવિ તરીકેનો એનો નવાવતાર થાય, તો જ એ સર્જક સાચો.

શબ્દનો વિવેક, શું ગદ્યમાં શું પદ્યમાં, લેખકની શકિતની મોટી કસોટી છે. ઘણા મોટા કલાકારોનું શબ્દભંડોળ મોટું હોતું નથી. પણ એમણે શબ્દ-પસંદગીમાં પોતાની મહત્તા સારી પેઠે દાખવેલી હોય છે. તત્સમ શબ્દોનો અતિરેક કૃત્રિમતા ઉપજાવે છે. તળપદા શબ્દોના અતિરેકની પણ એવી જ અસર થાય છે. સંસ્કૃત તત્સમ શબ્દોની વચ્ચે તળપદા શબ્દો આવે છે, ત્યારે પણ એ અસુભગ લાગે છે. શબ્દની ઔચિત્યબુદ્ધિથી જ પસંદગી થવી જોઈએ. શબ્દો સરળ હોય, સમજાય એવા હોય, છતાં આખાનું કાંઈ મોંમાંથું સમજાય નહિ એવું બને. અને આખા લખાણનું પ્રધાનસૂત્ર જો એક વાર હાથમાં આવી ગયું હોય, તો વચ્ચે વચ્ચે અઘરા શબ્દોથી કોઈ મુશ્કેલી ન આવે. લેખક સરળ શબ્દ યોજે, અને કંઈ જ આપણે ન પામીએ; એ કરતાં થોડાક અપરિચિત શબ્દનો ભેટો કરવાને ભોગે પણ કાંઈક પહોંચાડવા મથતા લેખકનો આદર કરીએ. ખાલીખમપણું એ સરળતા નથી. વર્ણનની શકિત કેળવવી આપણા હાથમાં છે; દર્શનની શકિત કેળવવી સહેલી નથી. કવિજીવનના આરંભમાં, તેથી, કવિઓ ઘણી વાર પેલી વર્ણનની તાલીમને પોતાની ઉપર સવાર થઈ જવા દે છે. મીઠા મીઠા કે ભવ્ય શબ્દોનો શોખ કવિની સહજ શકિતઓને અન્યાયકર્તા થઈ પડે છે.

જેમાંથી પાંચ-સાત કૃતિઓ પણ સાતમી ગાળણીએ ગાળતાં ટકી રહે, એવા સંગ્રહો કેટલા? કૃતિના મૂલ્યાંકન વખતે વિવેચનામાં ક્વચિત્ દયા ઉશ્કેરવાના દેખાવો જોવા મળે છે. “આ સ્થિતિમાં માણસ આનાથી વધારે સારું શું કરી શકે?”—એ જાતની દલીલોથી કૃતિને આગળ કરવામાં આવતી હોય છે. હું તો કહું કે, આ રહી કર્તાની કૃતિઓ. કર્તા સામું જોશો નહિ. કૃતિને ચારે કોરથી તપાસી જુઓ અને તમારી પાસે જે આકરામાં આકરી કસોટી હોય તે વડે એને કસી જુઓ; અને પછી નછૂટકે તમારે એને યોગ્ય ગણવી પડે તો ગણો. તમે કૃપા કરીને “હશે!” “ચાલશે!” એવા શબ્દ વાપરશો જ નહિ. [‘નિરીક્ષા’ તથા ‘શૈલી અને સ્વરૂપ’ પુસ્તકો]