સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કાનમાં કહું?

          કેટકેટલા કાવ્યસંગ્રહો, વાર્તાસંગ્રહો સુંદર શક્તિવાળા ઉદીયમાન કવિઓ ને વાર્તાકારોને હાથે સહેજ ઉતાવળમાં પ્રગટ થાય છે અને કાળના પ્રવાહમાં જાણે તણાઈ જાય છે, મૂળિયાં નાખી સાહિત્યવાડીમાં એક અવનવા ઉમેરારૂપ જવલ્લે જ થાય છે. ત્રણ-ચાર સંગ્રહોને આ રીતે તણાઈ જવા દેવા, એ સારું? — કે એ બધામાંથી ચૂંટીને એક સબળ અર્પણ બની રહે એવું કંઈક આપવું, એ સારું? કાનમાં કહું? — મારા હાથમાં મારો ભૂતકાળ ભૂંસવાનું શક્ય હોય, તો પદ્યનાં થોથાં ગાળી નાખીને એવું જ કાંઈક કરું. પણ બાણ છૂટી ગયું — હવે શું? એ કામ હવે કાળ ભગવાને કરવાનું.