સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ખિસકોલી

Revision as of 11:51, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> રામ બાંધે સાગરને સેતુ ખિસકોલી જાણે લંકાનો કો પ્રલયકેતુ ખિસકોલી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

રામ બાંધે સાગરને સેતુ ખિસકોલી
જાણે લંકાનો કો પ્રલયકેતુ ખિસકોલી
કપિ પર્વત ઉપાડી લાવે કાંધે ખિસકોલી
કપિ સેતુ દિવસરાત બાંધે ખિસકોલી
એક નાની-શી આમતેમ કૂદે ખિસકોલી
કાંઠો સિન્ધુનો આખો દિ ખૂંદે ખિસકોલી
જરા વેળુમાં જઈ એ આળોટી ખિસકોલી
જઈ ખંખેરી સેતુએ રજોટી ખિસકોલી
સહુ વાનર ને રીંછ હસે જોઈ ખિસકોલી
ઘણો દરિયો પૂરવાની વાલામોઈ ખિસકોલી
જોઈ ગમ્મત ત્યાં રામ આવી જુએ ખિસકોલી
આંખે હરખનું આંસુ એક લુએ ખિસકોલી
મારો સૌથી નાનેરો સૈનિક તું ખિસકોલી
હવે પામીશ સીતાને ખચીત હું ખિસકોલી
એમ કહીને પસવારી હાથ મીઠે ખિસકોલી
પામી પટ્ટા તે દા’ડાથી પીઠે ખિસકોલી