સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/જીવનનો કલાધર

Revision as of 12:11, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અંગો બધાં સંયમથી રસેલાં, કંગાલની હાય થકી ભીંજેલાં, લંગોટીમાં કા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અંગો બધાં સંયમથી રસેલાં,
કંગાલની હાય થકી ભીંજેલાં,
લંગોટીમાં કાય લઈ લપેટી,
ચાલે પ્રભુપ્રેરિત પ્રેમમૂર્તિ…
સ્મશાને ઘોર જે શાંતિ, તે ફેલી હતી હિંદમાં,
ડુબાવી તે તમે આવી, આત્મના ધીર નાદમાં…
દુષ્કાળે વાદળાં કેરી જુએ છે વાટ ખેડૂતો,
જોતા’તા રાષ્ટ્રશક્તિની તેમ સૌ હિંદવાસીઓ…
એવે ચોદિશને ઘેરી ઝૂકી મેઘઘટા મહા,
દયાની હેલીઓ વર્ષ્યા તમે, ને સૌ હસ્યાં અહા!…
પિતા છો દિવ્ય ક્રાંતિના, અધ્વર્યુ નવયુગના,
ને છો માતા, અહિંસાની ગોદે જગ લપેટતા.
બંધુ છો સૌ ગુલામોના, દેવ છો દુખિયાં તણા,
આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના.
કદી તો મધુરી વેરો વાચા કોમલમંજરી,
ને બજાવો કોઈ વેળા કરાલી રણખંજરી,
એ નાદે દિલમંદિરથી નાસે સેતાનના ગણો;
હૈયે હૈયે તમે કીધાં પુણ્યનાં સમરાંગણો.
કંકાલને તાંડવનૃત્ય શીખવ્યાં,
મૃત્યુ મહીં જીવન ઓળખાવ્યાં.
ને છૂટવા ભીષણ નાગચૂડથી
આપી તમે નિર્મળ પ્રેમબુટ્ટી…
અણુથીયે પિલાવાની છે હૈયામાં વિનમ્રતા,
સુદામા-નરસૈંયાની માણવી છે દરિદ્રતા…
અઠંગ છો સત્ય તણા પૂજારી,
ઉરે સદાજાગ્રત કર્મયોગી…
યોગી, તમે ભારતવાસી હૈયે
જન્મી ચૂક્યા છો જ કરોડરૂપે.
[‘વિશ્વશાંતિ’ પુસ્તક : ૧૯૩૧]