સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/પ્રાર્થના — પણ ઉત્તમ કાવ્ય

          પ્રાર્થનાની રચના કાવ્યકોટિએ પહોંચી હોય એવું કોઈકોઈ વાર બને છે, ત્યારે આનંદનો પાર રહેતો નથી. સરકારી વાચનમાળાની સાતમી ચોપડીમાં પહેલી જ કવિતા ન્હાનાલાલની હતી. તેની આ કડીની એક મોટી વિશેષતા એ છે કે તેમાં કવિશ્રીની એક નોંધપાત્રા શક્તિ પ્રગટ થાય છે. પ્રાચીન સંસ્કૃત ભાવના-ઉદ્ગારોનો મર્મ ભાવવાહી રીતે ગુજરાતીમાં લઈ આવવાની ન્હાનાલાલની શક્તિ અજોડ છે. આ કડીમાં ‘ઉપનિષદ’ની પ્રસિદ્ધ પ્રાર્થના — असतो मा सद् गमय। तमसो मा ज्योतिर्गमय । मृत्योर्माऽमृतं गमय ।। સહજ રીતે ઊતરી આવે છે, મૂળના ઉદ્ગારોની ઊંડી તીવ્રતા સાથે. વાચનમાળામાં જોડકણાં જેવું પદ્ય નહીં, પણ સાચી કવિતા આપવી જોઈએ, જેથી ઉત્તમ સંસ્કાર બાળકને મળે. પ્રાર્થના હોય તો તે પણ, ઉત્તમ પ્રકૃતિકાવ્ય હોય એ રીતે, ઉત્તમ પ્રાર્થનાકાવ્ય હોવું જોઈએ. બાળપણમાં મળેલી પ્રાર્થનાઓના સંસ્કાર જીવનભરનું ભાથું બની રહે છે એટલે તો ખાસ.