સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના

From Ekatra Wiki
Revision as of 08:47, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.