સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/લીલી વાડીઓ નિર્માણ કરનારા

          ઈશ્વર પેટલીકર જીવનથી તરવરતા હતા. સમાજને ઉઘાડી આંખે, ઉઘાડા કાને, ઉઘાડા હૃદયે નીરખતા અને એમનામાં સહાનુકંપા હતી. બધાના પ્રશ્નો જાણે પોતાના ન હોય! એમણે લોકોના અંગત જીવનના, ખાસ કરીને યુવકોના, જે સળગતા પ્રશ્નો હોય છે તે ઉકેલવામાં, સંસારની હોળીઓ હોલવવામાં, સારો એવો સમય આપ્યો. સમાજમાં આવી મંગલમૂર્તિઓ હોવી જોઈએ. એ જીવશે, એમણે જે લીલી વાડીઓ નિર્માણ કરવામાં ફાળો આપ્યો હશે તે લોકોના જીવનની સુવાસ દ્વારા.