સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/હતાશ તરુણ પેઢી

          પાછલા ત્રણ દસકામાં બે-અઢી હજાર રાજકારણીઓ સ્વતંત્ર હિંદના તખ્તા ઉપર આવ્યા-ગયા-પાછા-આવ્યા, પણ મોટેભાગે તેના તે માણસો જાણે કે ખેલ ખેલી રહ્યા ન હોય. જુવાનો, ઊછરતા જુવાનોનો ખ્યાલ કોઈ કરે છે? નકસલો આવ્યા — દેશના જુવાનોમાંથી કેટલાક ઉત્તમ એમાં હતા. ગેરરસ્તે હતા એમ કહી શકો, પણ ગરીબ વર્ગના ઉદ્ધારના ધ્યેય માટેની એમની જાનફેસાનીની ઓછી કિંમત નહીં આંકી શકો. મોટા ભાગના ખતમ થયા. નકસલોની પણ પછી આવનાર જુવાન પેઢીમાં દેશની નેતાગીરી (પેલી બે-અઢી હજારની રાજકારણી નેતાગીરી) હતાશા જન્માવશે? રીઢા રાજકારણીઓનું આવા સવાલોથી રૂંવાડું પણ ન ફરકે તો નવાઈ નહીં. પણ જનતાની આશાઓ છૂંદાતી રહેશે તો હતાશ બનેલી તરુણ પેઢી મૂંગા સાક્ષી તરીકે બેસી રહેવાની નહીં, અને જો એ ગમે તેવા માર્ગોએ ચઢી તો એની જવાબદારી રાજકારણીઓની રહેવાની. [‘નિરીક્ષક’ પખવાડિક]