સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/કિતાબોમાં

Revision as of 12:14, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કદીક પેગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં : અરે, એ ખ્વાબ ખુલ્લી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કદીક પેગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં :
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવાં કિતાબોમાં.
ચઢી ઇતિહાસમાં ચૈતન્યની ભરતી અને ઓટો :
ઊંચી-નીચી અહીં અંકાઈ છે માઝા કિતાબોમાં!
હજારો વર્ષ પહેલાંના પ્રબળ ઉદ્ગાર સફરી થૈ,
વટાવી કાળના વગડા પધાર્યા છે કિતાબોમાં!
જહર પી અમૃતે છલક્યાં મીરાં જેવા કંઈક કંઠો,
શરાબી જામથીયે કેફી મયખાનું કિતાબોમાં!
અરે આ શબ્દ — જ્યાં જ્યાં એ ગયા, ઇતિહાસને સર્જ્યો,
પ્રજા ઊઠી, પલટિયો કાળ — સૂતા છે કિતાબોમાં!
કબાટેથી કબાટે ગ્રંથઘરમાં બ્હાર ઘૂમતો હું
શકીશ થોડોય ઊતરી અક્ષરે અંદર કિતાબોમાં?
હૃદયની કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી —
જ્યહીં હરપૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં?