સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/કોણ?

કોણ રે પાંગળું, ભાઈ?
હાથવિહોણું?-પાયવિહોણું?
નહિ રે, એ જન પાંગળું નાહીં :
હાથ છતાં નહિ વિક્રમશ્રાન્તિ,
પાય છતાં નિત નહિ નવ ક્રાન્તિ,
અંગ બનાવટ, અંગની ભ્રાન્તિ-
એ જન પાંગળું, ભાઈ!
એ જન પાંગળું, ભાઈ!
કોણ રે આંધળું, ભાઈ?
આંખવિહોણું?-ધૂંધળુંજોણું?
નહિ રે, એ જન આંધળું નાહીં :
આંખની આગળ રાસ, ન જુવે;
દોહ્યલા જાગવા ટાણેય સૂવે;
કોડી શી અન્ય દુઃખે નવ રુવે—
એ જન આંધળું, ભાઈ!
એ જન આંધળું, ભાઈ!
કોણ રે મૂંગું, ભાઈ?
જીભ ન જેને પ્રગટે વેણે?
નહિ રે, એ જન મૂંગું નાહીં :
રૂપ જોઈ જે ગાઈ ન ઊઠે,
જીવન જવ મૂર્છિત જડ મૂંઠે,
રુદ્ર થવા ટાણે નવ રૂઠે-
એ જન મૂગું, ભાઈ!
એ જન મૂંગું, ભાઈ!