સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/ગાંધીનિર્વાણ દિને

          જે કાળ શા પ્હોળાઈને પથરાયલા પોતે હતા! તે સમેટાઈ હવે ‘ક્ષણ’! બે મિનિટનું મૌન! જે કાળ કેરો સાંઢ શૃંગેથી ગ્રહી હાંકી ગયા, તે આટલે વર્ષે હવે ખુદ બે મિનિટનું મૌન! એ કેટલી મોટી હતી ઘટના ઘટી ઇતિહાસમાં, એ સ્વયં ઇતિહાસ-પાને બે મિનિટનું મૌન! એ પ્હાડના જેવું ઊંચું, અંજાણ્યું પ્હોળું પ્રાણી કો, તે સોયના નાંકેથી સરકે! બે મિનિટનું મૌન! કાળમાં ભરતી ચઢી કેવી હતી, ત્યારે અહો! તે ઓટમાં ઓટાઈ થૈ લ્યો, બે મિનિટનું મૌન! તે ત્રીસમી આજે હતી, અગ્યાર વાગ્યાનો સમય ક્યારે ગયો વીતી, ન યાદે, બે મિનિટનું મૌન! તે પછી તો કાળમોજાં કેટલાં ઉપરા’પરી બે મિનિટ ગુજર્યાં ઉપર લ્યો, બે મિનિટનું મૌન! [‘છેલ્લો વળાંક’ પુસ્તક : ૨૦૦૫]