સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/એક સપનું મુજ ખોવાઈ ગયું

જ્યાં દૃષ્ટિ પડે ત્યાં દારુણ દવ, ને કાન પડે ત્યાં કોલાહલ :
અફસોસ, તમારી ધાંધલમાં, એક સપનું મુજ ખોવાઈ ગયું!
રે જિંદગીભર ભ્રમણા સેવી, ને એક ઘડી એવી ઊગી,
કે કંચન છે કે છે કથીર, એ સ્પષ્ટપણે જોવાઈ ગયું!
દીસતાં’તાં ખેતર અંધારે, તે રણ નીકળ્યાં અંજવાસ થતાં :
હું કોને કહું! હસવા મથતાં આ હૈયાથી રોવાઈ ગયું!
મેં ટીપું ટીપું સીંચીને સો વરસે માંડ ભરી ગાગર,
ત્યાં એક ધડાકો, ને પળમાં પીયૂષ બધું ઢોળાઈ ગયું!…
અમૃત તો હાથે ન્હોતું ચઢ્યું, પણ નીર હતું નિર્મળ થોડું;
દુર્ભાગ્ય જુઓ, રે તેય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું!…
આશા દેતા’તા અવધૂતો કે પ્રાણ પ્રગટશે પળ માંહી,
પળને બદલે યુગ વીતી ગયો, ને પિંજર પણ કહોવાઈ ગયું!
રજની વીતી ને ભોર ભયો ને સૌ કે’ સૂર્ય દીસે આઘે —
પણ આ શું તેજ તણું વર્તુલ ઊલટાનું સંકોડાઈ ગયું!
કૌતુક તો અગણિત દીઠાં છે, પણ આવું અચરજ ના દીઠું —
કે આંસુઓ લો’વા જાતાં, લોચન જાતે લોવાઈ ગયું!
હું ફાટી આંખે શોધી રહ્યો સોનેરી રજકણ સુખડાંનાં,
ત્યાં જીવનકેરા સૂત્રમહીં દુઃખ મોતી બની પ્રોવાઈ ગયું!
કોઈ શત શત યુગથી નીકળ્યા’તા નન્દનની શોધમહીં યાત્રી,
અહીં અનાયાસ રમતાં રમતાં દોજખ જોને શોધાઈ ગયું!
દુનિયા આખીની દોલતને લૂંટવા હું નીકળ્યો’તો નાદાન,
ને રસ્તામાં એક માંડ રળેલું કાવડિયું ખોવાઈ ગયું!
રે કૈંક ચઢાવ્યા બતરીશા…ને માંડ માંડ વરતાયાં નીર!
હું રાજી થાવા જાતો’તો ત્યાં જીવનસર શોષાઈ ગયું!
માતાની ભક્તિમાં રાતા મદમાતા થૈ નાચ્યા એવા —
કે ધ્યાન રહ્યું ના, પગ નીચે ફૂલ-બાળક રગદોળાઈ ગયું!
ધાર્યું’તું : દાવાનળ વચ્ચે બેસીને લાવા-પાન કરું —
પણ દૂર દૂર પેટાતી દેખી દીવાસળી, દોડાઈ ગયું!…
હું પૂછું : પુષ્પો પથ્થરમાં એકાએક શેં પલટાઈ ગયાં,
ને અબીલગુલાલ તણું અર્ચન શેં પંકે ઝબકોળાઈ ગયું!…
[‘મધુવન’ પુસ્તક]