સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/સબૂર, ઓ માનવી!

સબૂર, ઓ સ્મારકો તણા શોખીન માનવી!...
સદીઓ સુધી સહ્યું છે કાળજું કઠણ કરી,
રાખી હૃદયની વેદના હૃદયમાં સંઘરી :
મારે મંદિર કામનાં ક્રીડાંગણો કૂડાં
ઊભાં થયાં છતાં હું રહ્યો ધૈર્યને ધારી!
રે ગઝનવીનું આક્રમણ તો દૂરની કથા,
અહીં તો ક્યારની જાગી ગઈ હતી વ્યથા!
અસહ્ય વેદના થતાં મેં મારી જાતને
લીધી હતી સંકેલી મંદિરેથી સર્વથા!...
આજે એ કરુણ કહાણીના પાષાણ સર્જકો,
એ શ્યામ-મુંડ રોતલો, ઉદૃંડ ગર્જકો
ધીરે ધીરે સરી રહ્યા છે યાદદાસ્તથી
જાલિમ ને મજલૂમો ને કર્દંકો ને તર્જકો!...
ને આજે જ્યાહરે કો’ તપસ્વીના ત્યાગથી
ને સેંકડો નરોની શહાદતના રાગથી
તૂટી છે ગુલામીની જૂની જંજીરો જરા,
માંડી છે મલકવા ઉષા મુક્તિ સુહાગથી —
ત્યારેય આ ધરામાં રડારોડ ચાલુ છે,
ધીંગાને હાથ રીંગાંની ધમરોળ ચાલુ છે;
ચાલુ છે લાંબી લાંબી લંગાર મિસ્કીનોની,
તસ્કર ને તવંગર તણા ફૂલદોલ ચાલુ છે.
મહેનતકશોને કાંટા, તસ્કર ઘસે છે ચંદન;
કોટિ ક્ષુધાર્ત કેરાં કાને પડે છે ક્રંદન;
હું શિવતણી પ્રતિષ્ઠા ત્યાં સંભવે શી રીતે,
જ્યાં નીકળી ગયું છે શિવભાવનું નિકંદન!
હું સોમનાથ તેથી વિનવું છું હાથ બાંધી :
શાને ઊભી કરો છો આડંબરોની આંધી?
આ તીર્થ, આ તમાશા, આ ફેન ને ફિતૂરો;
આ લાહ્યમાં જ ચાલ્યા ગયા બિચારા ગાંધી!
ના ના, મને દેજો કોઈ ત્રાસ નકામો,
ઊભો ન કરજો પુણ્યનો આભાસ નકામો!...