સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/આંધળા ન થઈએ

          યજ્ઞને નામે આજે કોઈ ઘી બાળે, તો તે ખોટું જ છે. પ્રાચીન કાળમાં ઘી બાળતા, તે પણ ખોટું તો હતું જ. એ દોષ તરફ ત્યારે લોકોનું ધ્યાન ગયું નહોતું. પોતાને ગમતી વસ્તુ ગુરુને કે ભગવાનને અર્પણ કરવાની વૃત્તિ સ્વાભાવિક છે. ઝાડનું પ્રથમ ફળ, ખેતીનો પહેલો પાક, ભઠ્ઠીનું પહેલું વાસણ મુરબ્બીઓને કે મંદિરોને અર્પણ કરવાની વૃત્તિ સમજાય એવી છે. પણ એ જ ભાવનાથી પ્રેરાઈને જ્યારે કોઈ લોકો પોતાના પ્રથમ બાળકનું મંદિરમાં બલિદાન આપે, ત્યારે એ ક્રિયાને અત્યાચાર, પાપ અને ગુના તરીકે ઓળખવી પડે છે. ધાર્મિક વિધિમાં પવિત્રા ભાવના સાથે વસ્તુઓનો સદુપયોગ કરવાની પ્રથા હોવી જોઈએ. ઉજ્જ્વળ ભાવનાથી કરેલો વસ્તુનો દુરુપયોગ, દુરુપયોગ મટી સદુપયોગ થતો નથી. જૂના કાળમાં જે સ્ત્રીઓ સતી થઈ, તેમની પતિનિષ્ઠા, આત્મબલિદાન ઇત્યાદિ ગુણોનો હું પૂજારી છું; છતાં તેમનું તે કૃત્ય મૂર્ખાઈભરેલું હતું એમ કહેતાં મને સંકોચ થતો નથી. શિવાજી મહારાજ પ્રત્યે મારા મનમાં આદર, ભક્તિ છે એટલા માટે એમની પેઠે ચાર ચાર પત્ની સાથે વિવાહ કરીને માણસ રહે, એમ શું મારે પ્રચાર કરવો? એમના જમાનામાં એ ખોટું મનાતું ન હતું, એમ કહીને હું ખામોશ રહીશ. સીતામાતા શ્રીરામચંદ્રને હરણનું માંસ પકાવીને ખવડાવતાં હતાં, એમ વાલ્મીકિએ કહ્યું છે. શ્રીરામચંદ્રે હરણનું માંસ ખાધું એમાં જ એમનું અવતાર-રહસ્ય છે, એમ કહેવા હું ન બેસું. પ્રાચીન કાળમાં ધાર્મિક મનાતા વિધિઓનું રહસ્ય સમજી લઈએ, પણ તેમાં રહેલા દોષો તરફ આંધળા ન થઈએ. પૂર્વજો સર્વજ્ઞ હતા, એમનો જીવનક્રમ સદંતર નિર્દોષ હતો અને એમાં ફેરફાર કરવામાં માણસજાતે ભૂલ જ કરી છે, એ ભૂમિકા શુદ્ધ નથી, ધર્મ્ય નથી.