સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/એક મોટું આશ્ચર્ય

          પક્ષ પાડયા વગર અને પક્ષને નામે સમાજના કકડા કર્યા વગર આપણને સંતોષ ન મળે. રાજાઓ રાજવિસ્તાર માટે પરસ્પર લડતા. એમની પ્રજા પણ પોતપોતાના રાજા પ્રત્યેની નિષ્ઠાનું પ્રદર્શન કરવા માટે લડતી. વ્યક્તિનિષ્ઠા, રાજભક્તિ, ગુરુભક્તિ, વર્ણાભિમાન, જ્ઞાતિનિષ્ઠા ઇત્યાદિ તત્ત્વોએ જોર કર્યું અને આપણે પક્ષાભિમાની બન્યા. અભિમાન માટે મહેનત જરૂરની નથી. વિરોધી લોકોનો દ્વેષ કરો, એમને ઉતારી પાડો, એમની સાથેના સંબંધ તોડો — એ સસ્તો ધંધો જોરથી ફેલાઈ ગયો. આપણી આખી સંસ્કૃતિ એ રીતે વણસી ગઈ, ઝેરી થઈ, નબળી પડી, દુનિયામાં હાસ્યાસ્પદ થઈ. છતાં કેળવેલું આંધળાપણું માણસ શી રીતે છોડે? આજે આપણે જૂનાં અભિમાનો હજી છોડ્યાં નથી. પ્રાંતાભિમાન, ભાષાભિમાન, પક્ષાભિમાન, નેતાભિમાન આપણને જોરથી વળગ્યાં છે. નિંદા, દ્વેષ, વિરોધ અને હોંસાતૂંસી માટે નથી જોઈતી કોઈ ખાસ અક્કલ કે કેળવણી. આટલો સસ્તો ધંધો ગમે તે માણસ ખેડી શકે અને નેતા થઈ શકે, અનુયાયી મેળવી શકે અને ઉત્તેજના પૂરી પાડી શકે. આઝાદી, એકતા અને સંસ્કૃતિ, ત્રાણેનો ખાતરીથી નાશ કરવાની આ યોજના છે. આ પંચવર્ષીય યોજના સૌથી વધુ જોરથી ચાલે છે, સફળ થતી જાય છે. આટલા સાર્વભૌમ પ્રચારને અંતે પણ આજે દેશની એકતા ટકી હોય, રચનાત્મક કામો ચાલતાં હોય, તે એક મોટું આશ્ચર્ય છે! એનો દોષ આપણે માથે નથી. મહાત્માઓના પુણ્યનું બળ હજી ટક્યું છે, તેથી સર્વનાશ નથી થતો એટલું જ.