સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/દેશભક્તિ ને દેશસેવા

Revision as of 07:25, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દેશ આગળ સત્ય, નીતિ, સદાચાર બધું ડૂલ છે — એમ કહેનાર લોકો એ ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          દેશ આગળ સત્ય, નીતિ, સદાચાર બધું ડૂલ છે — એમ કહેનાર લોકો એ નથી સમજતા કે દેશની ભક્તિ સાથે તેઓ દેશનું કેટલું ભારે અપમાન કરે છે. વૃદ્ધ માતાને જિવાડવા ખાતર કોઈ દીકરી અનાચારથી કમાણી કરે, તો એ માતાને એ રીતે જીવવું પસંદ પડે ખરું? દેશ એટલે દેશનું ચારિત્રય, દેશનો મંગલ જ્ઞાનરાશિ, દેશનો કલ્યાણકારી પુરુષાર્થ. દેશ એટલે પોતાના સમાજ મારફતે થતી માનવકોટીની અને આખી સૃષ્ટિની સેવા. સ્વાર્થ ખાતર જે લોકો દેશને પારકા લોકોના હાથમાં વેચી નાખે છે, અને જેઓ દેશને નામે સત્યનો કે ચારિત્રયનો દ્રોહ કરે છે — તે બંને દેશના દ્રોહી જ છે : એ વસ્તુ પોતાની ઉજ્જ્વળ દેશસેવાથી જેમણે સ્પષ્ટ કરી છે તે દેશભક્તોના માર્ગમાંના કેટલાક કાંટા કાઢી નાખવાનું કામ રવીન્દ્રનાથે તારાની પેઠે ચમકતી આ નવલકથા ‘ઘરે-બાહિરે’ દ્વારા કર્યું છે. કાવ્યનાં મોતી તો આ નવલકથામાં એમણે છૂટે હાથે વેર્યાં છે. અખંડ વહેતો રસપ્રવાહ અને કળાને છાજે એવો સંયમ શરૂથી આખર સુધી બરાબર દેખાઈ આવે છે. સંભવ છે કે ઠાકુરની બધી કૃતિઓમાં આ ચડી જાય. ‘ઘરે-બાહિરે’ લખીને રવીન્દ્રે આપણા સમાજની અને આપણી રાષ્ટ્રીયતાની અસાધારણ કોટિની સેવા કરી છે. બંગભંગ પછી ઉત્તેજિત થયેલા રાષ્ટ્રના પુરુષાર્થના ધોધમાં ચારિત્રયની મહાન શિલા થઈને ઊભા રહી રવીન્દ્રનાથે એક મોટું વીરકર્મ કર્યું છે.