સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/ધર્માધર્મનો વિચાર

          ગાંધીજીના માનમાં રાજકોટના ઠાકોરસાહેબે એક ગાર્ડન પાર્ટી આપી હતી. ગાંધીજી બેઠા હતા એ જ ટેબલ ઉપર એક બાજુ ઠાકોર સાહેબ અને બીજી બાજુ બ્રિટિશ પોલિટિકલ એજન્ટ હતા. વાતો ચાલતી હતી, એટલામાં ગાંધીજીએ ઠાકોર— સાહેબ આગળની શરાબની બાટલી ઊંચકીને પોલિટિકલ એજન્ટ આગળ મૂકી દીધી. ધર્માધર્મનો ખ્યાલ રાખનાર કોઈ સામાજિક પહેરેગીરે એ વિશે ગાંધીજીને કાગળ લખીને ખુલાસો માગ્યો કે, “તમારા જેવા મદ્યપાન-નિષેધક આવે ઠેકાણે ભોજન લઈ જ શી રીતે શકે? તમે ભોજન લીધું એટલું જ નહીં, પણ શરાબની બાટલી પણ પીનાર આગળ કરી!” ગાંધીજીએ જવાબમાં એટલું જ લખ્યું કે, “આવે પ્રસંગે કઈ રીતે વર્તવું એનો સૂક્ષ્મ વિવેક હું જાણું છું. તમને હું એટલું જ કહી શકું કે તમારા જેવા મારું અનુકરણ ન કરે.”

માંસાહાર પરત્વે પણ આવા જ સવાલ ઉઠાવવામાં આવે છે. આપણે માંસાહારને વ્યસન નથી ગણતા પણ પાપ ગણીએ છીએ. ધૂમ્રપાનને વ્યસન ગણીએ છીએ, પાપ નથી ગણતા. કેટલાય બાવાઓ અખંડ ચલમ ફૂંકતા હોય છે, એ વ્યસન છે એની તેઓ પણ ના નથી પાડી શકતા. અને છતાં એમનું સાધુત્વ તેટલા પ્રમાણમાં ઓછું છે એમ સમાજ નથી માનતો. સ્વામી વિવેકાનંદ જેવા આધુનિક સંન્યાસીઓ પણ હુક્કો છોડવાની આવશ્યકતા માનતા ન હતા. એમના પ્રત્યેનો મારો આદર આ કારણે તલમાત્રા ઓછો ન થયો. છતાં હું માનું છું કે ધૂમ્રપાન એ સાધુજીવનમાં એબ ગણાવું જોઈએ. જે લોકોનો આહાર જ માંસ છે એમને પ્રાણીહત્યાનું કાંઈ લાગતું નથી. દુનિયાની આજની નીતિની કલ્પના જોતાં, તેઓ પાપ કરે છે એમ ન કહેવાય. છતાં પ્રાણીહત્યા એ ક્રૂરતા અને પાપ છે જ. પણ જેઓ એ વાત નથી સમજતા અથવા નથી માનતા, અથવા ટેવને કારણે માંસાહાર ચલાવવા માગે છે, તેમનો વાંક ન કઢાય. ત્યારે શું આપણે સમાજના, માંસાહાર કરનાર અને ન કરનારા એવા બે ભાગ પાડવા? અને બે વચ્ચેનો વહેવાર તોડી જ નાખવો? વર્જેલાઓની જાતિ ઊંચી અને ન વર્જેલાઓની નીચી, એમ નક્કી કરી વર્જેલાઓનું અભિમાન પોષવું? અને ન વર્જેલાઓ ઉપર ઊતરતાપણાનો ખ્યાલ ઠોકી બેસાડવો? આપણે હિંદુ લોકોએ એ બધું કરી જોયું છે. એમ કરીને આપણે સમાજની ઉન્નતિ નથી સાધી. વર્જેલા અને ન વર્જેલા વચ્ચેનો વહેવાર તોડવાથી વર્જેલાઓનો નિશ્ચય વધારે મજબૂત થવાનો સંભવ છે એટલું આપણે માની લઈએ, પણ ન વર્જેલાઓની નોખી ન્યાત પાડવાથી તેમનામાં સુધારો થવાનો સંભવ પણ આપણે અટકાવીએ છીએ એ ન ભૂલવું જોઈએ.

ઇંગ્લંડમાં ગાંધીજીને એક પાદરીએ દર રવિવારે પોતાને ત્યાં જમવાનું આમંત્રાણ આપી રાખ્યું હતું. જમવાના ટેબલ ઉપર મિશનરીનાં કુટુંબીઓ માંસાહારની વસ્તુ આણીને ખાતાં, ગાંધીજીનો આહાર ચુસ્ત ‘વર્જેલો’ રહેતો. આહારનાં પુણ્યપાપ વિશે ત્યાં વાત ન છેડવા જેટલો વિવેક ગાંધીજી પાસે હતો. પણ મિશનરીનાં બાળકો પૂછવા લાગ્યાં કે, “અમુક વાનીઓ મિ. ગાંધી કેમ નથી ખાતા?” માતા-પિતાએ કહેવું પડ્યું કે, “એમના ધર્મમાં એ પાપ ગણાય છે.” “શા માટે પાપ ગણતા હશે?” “તેઓ માને છે કે પશુપક્ષીઓને આત્મા છે, સુખદુઃખની લાગણી છે; પ્રાણીઓને મારવામાં ક્રૂરતા છે — પાપ છે.” “વાત તો સાચી લાગે છે. તો આપણે કેમ એ વસ્તુને પાપ નથી ગણતાં?” “આપણે માનીએ છીએ કે પશુપક્ષી આદિ મનુષ્યેતર પ્રાણીઓને આત્મા નથી હોતો.” “તે કોણ જાણે, પણ એમને મારવામાં ક્રૂરતા તો છે જ. મારતી વખતે તેઓ નાસભાગ કરે છે, જોરથી રુએ છે, એટલું તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આવતી કાલથી અમે એ વસ્તુઓ નથી ખાવાનાં.” “નહીં ખાઓ તો નબળાં પડશો.” “ત્યારે મિ. ગાંધી કેમ નથી નબળા પડતા?” અંતે પાદરીએ ગાંધીજીની માફી માગી અને રવિવારનું જમવાનું આમંત્રાણ પાછું ખેંચી લીધું.

આ આખો પ્રસંગ શો બોધ આપે છે? એક જમાનો હતો જ્યારે જૈન લોકો માંસાહારી લોકો વચ્ચે જઈને ધર્મપ્રચાર કરતા હતા. કેટલાક જૈનો માંસાહાર કરતા હતા, એવો ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાં મળે છે. ટેવને કારણે માંસાહાર કરનાર લોકોને જૈન ધર્મમાં પ્રથમ લઈ લીધા હશે; તેઓ ધીમેધીમે માંસાહારનું વર્જન કરશે એમ આશા રાખી હશે, અને તે સફળ પણ થઈ હશે. ત્યાર પછી પ્રાણીઓને બચાવવાની વૃત્તિ શિથિલ થઈ. ફક્ત પોતાનો ધર્મ બચાવવાની વૃત્તિ બાકી રહી હશે. એટલે જૈન લોકોએ માંસાહારી લોકો સાથે ભળવાનું છોડી દીધું હશે. પરિણામે નવા લોકો જૈનધર્મમાં આવતા અટક્યા. પણ માંસાહાર ન કરનાર ચુસ્ત જૈનોમાંથી કોઈ માંસાહાર તરફ નથી જ લપસ્યું, એમ કહી શકાત તો કેવું સારું થાત!

હું આફ્રિકા જવા ઊપડ્યો તે પહેલાં શ્રી નાનજી શેઠે મને ચેતવણી આપી હતી કે, “આફ્રિકામાં શરાબનો વહેવાર છૂટથી થતો તમને જોવા મળશે.” તે વખતે જ મેં વિચાર કરી રાખ્યો હતો કે ત્યાં મારે શું કરવું. અજાણ્યા સમાજને બને ત્યાં સુધી નડતરરૂપ ન થાઉં, અને તેમ કરતાં મારા જીવનસિદ્ધાંતોમાં શિથિલ ન થાઉં, એમ મન સાથે ગોઠવીને જ ઊપડ્યો હતો. શરાબ એ માણસને અનીતિ તરફ દોરનાર હડહડતું વ્યસન છે. શરાબમાં બુદ્ધિનાશ છે. પણ લોકોમાં મદ્યપાન ફેલાયેલું જોઈ તેમનો બહિષ્કાર કરવા જઈએ, તો બીજું કશું કામ કરી ન શકીએ. શરાબ પીવાની જેમને આદત પડી છે એમને એ શરાબમાંથી બચાવવાના પ્રયત્ન થવા જ જોઈએ. પણ એ કામ એમનો બહિષ્કાર કરવાથી નહીં થાય. ધર્માધર્મનો વિચાર બહુ સૂક્ષ્મ હોય છે.