સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/વિચાર-કલિકા

          જ્ઞાન અસીમ છે, જેટલું શીખીએ એટલું ઓછું છે. એટલે જો આપણે એમ વિચારીએ કે બધું શીખી લીધા પછી બીજાને શીખવીશું, તો એ ભૂલ છે. જેટલું શીખતા જાઓ, એટલું શીખવતા પણ જાઓ. અમારી પાસેથી તમે વિદ્યાર્થીઓ જે કંઈ મેળવો એ ખેડૂતો, વણકરો, હરિજનો, દલિતોને આપો. અને એ રીતે જ્ઞાનનો તંતુ આગળ વધાર્યે જ જાઓ!

જો ગૌરીશંકરનું શિખર એકલું એકલવાયું હોત, તો એ આંખને ખૂંચત. સેંકડો નાનાંમોટાં શિખરો હજારો માઈલ સુધી સળંગ ઊભાં છે, એની વચ્ચે જ ગૌરીશંકર અને ધવલગિરિ તેમ જ નંદાદેવી ને ત્રિશૂળ આદિનાં ઉત્તુંગ શિખરો ભવ્ય રીતે શોભી રહ્યાં છે. એ જ પ્રમાણે કોઈ માણસ એકલો શૂરો બની પોતાનું જ જ્ઞાન વધાર્યે જાય અને મહાપંડિત બને એથી કંઈ દેશ એટલો સુશોભિત અને સમૃદ્ધ નથી બનવાનો, જેટલો ઘેરઘેર થોડાથોડાયે જ્ઞાનના ફેલાવાથી એ સમૃદ્ધ થવાનો છે. જ્યારે લાખો અને કરોડો લોકોમાં કેળવણી સર્વવ્યાપી બનશે, ત્યારે એમાંથી જે થોડા મહાવિદ્વાન પાકશે એ ઘણી ઊંચી પંક્તિના હશે.

મને કઈ નોકરી મળશે, મને કોણ કામ આપશે, મારે કયા ક્ષેત્રમાં કામ કરવું — એ બધો વલોપાત છોડી દો. પોતાની યોગ્યતા વધારો, સુપાત્ર થાઓ, અધ્યયન ઊંડું બનાવો અને સદાચાર કેળવો, એટલે કામ તો તમને ખોળતું આવી પડશે. કાર્યક્ષેત્ર શોધવા જવાનાં ફાંફાં ન મારશો. ઊંચામાં ઊંચા કાર્યને યોગ્ય થવાનો પ્રયત્ન કરતા રહેજો.

માણસ ગમે તેટલું ભણે, ગમે તેટલો કેળવાય, પણ જેનામાં સૂઝ નથી, એ માણસ કહેવડાવવાને લાયક નથી. આપણા જુવાનોમાં સૂઝનો અભાવ છે, એ મને ખૂંચે છે. ઝાડુ વાળો, વાસણ માંજો કે શાક સુધારો, દરેકમાં સૂઝ વાપરવી જોઈએ. જો આપણામાં સૂઝ હોત તો કુંભારનો ચાકડો આજે છે એવો ને એવો ન હોત અને આપણી બહેનોને રોજ ચૂલાનો ધુમાડો ખાવો ન પડત.

એક વાતનું સતત ધ્યાન રાખવું. આપણે જે મંડળીમાં બેઠાં હોઈએ ત્યાં ચાલતાં હાસ્ય-વિનોદ, વાતચીતની ભૂમિકા આપણી હાજરી વડે ઊંચી ચડવી જોઈએ-એ નીચે ન જવી જોઈએ. આપણી કેળવણી અને સંસ્કારિતાનું એ ખાસ પ્રમાણ છે.

ઝટઝટ ત્યાગી બની જવાની ઉતાવળ ન કરશો. પણ જેટલું તજો એ ઉત્સાહથી તજજો અને એ ત્યાગ શોભાવજો. ત્યાગ કરવા કરતાં ત્યાગને લાયક બનવું ઘણું કઠણ છે.

દુનિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુઃખની વાત છે.

મહાન વિચારકો પણ ઘણી વાર જમાનાના દોષોથી પર રહી શકતા નથી. એરિસ્ટોટલ જેવા વિશ્વવ્યાપી બુદ્ધિવાળા ફિલસૂફને પણ ગુલામીની પ્રથા સ્વાભાવિક લાગી. શંકરાચાર્ય જેવા અદ્વૈતવાદી પણ ‘વેદો’નું ઉચ્ચારણ સાંભળનાર અંત્યજને સજાપાત્ર ગણતા. ભક્ત કવિ તુલસીદાસે તો ઢોર-ગમાર સાથે સ્ત્રીને તાડનનો અધિકાર આપી દીધો! મહર્ષિઓ પોતાના જમાનાના સર્વોત્તમ પુરુષો હોય છે. પણ તેથી કાંઈ તેઓ જમાનાની અપૂર્ણતાઓથી પૂર્ણપણે પર નથી હોઈ શકતા.

અજ્ઞાન દૂર કરવા માટે હજાર વરસની જરૂર નથી. ખોટા ખ્યાલો ને ભ્રમણાઓ છોડી દેતાં ઘણી વાર લાગે છે. પણ અજ્ઞાન તો પોલાણ જેવું છે, એને દૂર કરતાં વાર નથી લાગવાની. કોઈ ઓરડીમાં બસો વરસનું અંધારું હોય, પણ બારણું ખોલો એટલે અંધારું હતું-નહતું થઈ જાય.

લોકો પોતાનું પાપ છુપાવે છે, એના કરતાં પોતાની નિરાશા અને પોતાનો થાક માણસે છુપાવવો જોઈએ. પાપ ઉઘાડું કરવાથી એનું ઝેર નીકળી જાય છે; પણ થાક અને નિરાશા વ્યક્ત કરતાંની સાથે વધે છે અને પ્રતિષ્ઠિત થવા માગે છે.

ઈશ્વર જેમને મોટા બનાવવા ઇચ્છતો હોય છે, તેમને પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિનું પૂરું જ્ઞાન થવા દેતો નથી. આ સંરક્ષક અજ્ઞાન જો ન હોત, તો અસહાય ને અનાથ બચ્ચાં કોઈ દિવસ મોટાં ન થાત.

કુટુંબસંસ્થા બંધાઈ એની પાછળ હજારો વર્ષોનો મહાપ્રયત્ન, સતત તપશ્ચર્યા અને કરોડો લોકોનો આપભોગ પડેલાં છે.

કેટલાક લોકો યુવાનોની ખુશામત કરે છે અને માને છે કે, યુવાનોને અમે પ્રેરણા આપીએ છીએ. પણ ખુશામત એ શરાબ છે, તેથી શૂર ચડાવવા માટે પછી દર વખતે તેને વધુ ને વધુ મોટો ડોઝ આપવો પડે છે.

સારું શું અને ખોટું શું એનો કંઈક સ્થૂળ ખ્યાલ, કોણ જાણે કઈ રીતે પણ, માણસને બહુ વહેલો મળે છે.

પોતાના સમાજમાં સહન કરવી પડતી હાડમારી દૂર કરવા માટે દેશાંતર કે ધર્માંતર કરવું, એ કાયરતાનો રસ્તો છે. એ રીતે દુનિયામાં રહેલો અન્યાય ઓછો થતો નથી, અને આપણી શક્તિ પણ વધતી નથી. એક સમાજમાં એક જાતનું દુઃખ છે, તો બીજા સમાજમાં બીજી જાતનું. જ્યાં છીએ ત્યાં જ સેવા લઈએ અને આપીએ.

આપણામાં દેશાભિમાન છે, પણ દેશભક્તિ નથી.

આપણે ગમે તે વસ્તુની ગમે તેટલી ચર્ચા કરીએ, પણ આખરે એટલું તો ધ્યાનમાં રહેવું જોઈએ કે ચર્ચાને અંતે કંઈક ચોક્કસ કામ કરવું છે.

પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી.

ઉત્તમ ગદ્ય જો યોગ્ય છટાથી વાંચવામાં આવે, તો તેમાંથી એક જાતનો કેફ પેદા થાય છે. એકાદ ફકરો એક વાર સાંભળ્યો કે, કેવળ ભાવને કારણે નહીં પણ ભાષાને કારણે પણ તે ફરી વાંચવા-સાંભળવાનું મન થવું જોઈએ અને માણસની જીભ ઉપર એ ચડવો જોઈએ. ગદ્યસ્વામી પોતાનું લખાણ દૃઢબંધ, સુઘડ, અલ્પાક્ષર છતાં બહવર્થ બનાવવા માટે દરેક વાક્યને અનેક રીતે મઠારે છે અને ઘૂંટીઘૂંટીને એમાં લાવણ્ય આણે છે. છંદની મદદ વગર આટલું પ્રાગલ્ભ્ય પ્રાપ્ત કરવું, એ ખરેખર કવિની કસોટી જ છે.

વસ્તુની નજીક જઈએ, એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે; પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

ગ્રંથપાલ [એ] અસંખ્ય ગ્રંથકારો અને પ્રજા વચ્ચે આધ્યાત્મિક સંબંધ બાંધી આપનાર ગોર છે, હિતેચ્છુ મિત્ર છે. શું પસંદ કરવું એ શીખવનાર ગ્રંથપાલનો નિર્હેતુક પ્રેમ આખી પ્રજાને જ્ઞાનસમૃદ્ધ, સંસ્કારી અને દીનસેવક બનાવવા મથે છે. ઉત્તમ ગ્રંથસંગ્રહ અને ઉત્તમ ગ્રંથપાલની યોજના થઈ હોય, તો પ્રજા જોતજોતામાં ચડે.

નકામી વસ્તુઓનો ત્યાગ કરવો, એ સિદ્ધાંત જ્ઞાનસંગ્રહમાં પણ જરૂરી છે.

‘જીવનવિકાસ’ ચોપડીમાં મારા અનુભવો અને મારા હૃદયનો નિચોડ છે.

શ્રીકૃષ્ણ, શંકરાચાર્ય, માર્ટીન લ્યૂથર, ઇગ્નેશિયસ લોયોલા, મહંમદ પયગંબર-બધા ઉત્પાતિયા હતા : ન પોતે જંપીને બેસે, ન કોઈને સુખેથી સૂવા દે. ગાંધીજીને પણ, એમની અહિંસક મીઠાશ છતાં, ઉત્પાતિયાની હરોળમાં જ બેસાડવા જોઈએ-બેસાડવા નહીં, ઊભા કરવા જોઈએ! બેસે તો ઉત્પાતિયો શાનો?

બે હજાર વરસ પછી જગતના ઇતિહાસમાં ગાંધીજી વિશે એક જ વાક્ય લખવાની સગવડ હોય, તો તે વખતના ઇતિહાસકાર લખશે કે : “એ જમાનામાં અન્યાયનો પ્રતિકાર કરવા માટે સત્યાગ્રહરૂપી અહિંસક શસ્ત્ર શોધી કાઢનાર ગાંધી ઉત્તમ સેનાપતિ હોવા ઉપરાંત સમાજનું આખું રૂપ ફેરવનાર મનીશી હતો.” બાકીની બધી વસ્તુ ગૌણ છે. કરોડો માણસો ત્યાગ અને તપસ્યા કરી શકે છે એ વિશ્વાસ ગાંધીજીએ પેદા કર્યો, એ એમની ભારત માટે સૌથી મોટી સેવા છે.

ગાંધીજીમાં પુરુષતત્ત્વ અને સ્ત્રીતત્ત્વ બંનેનું અદ્ભુત મિલન હતું. સ્ત્રીજાતિએ મહાત્માજીની શક્તિ અને એમની પ્રેરણા ઓળખીને ગાંધીજીને વધારેમાં વધારે અપનાવ્યા છે અને એમને કલ્પનાતીત સાથ આપ્યો છે.

કન્યાકુમારીમાં ત્રણ સાગરોનો સંગમ છે. ત્યાં મેં જે ધન્યતા અનુભવી છે, તેવી ભવ્યતા એક હિમાલયને છોડીને અને ગાંધીજીના જીવનને છોડીને અન્યત્ર ક્યાંય અનુભવી નથી.

માણસને ગુલામ બનાવી ઘરકામ કે ખેતી માટે મજૂર તરીકે રાખવાની પ્રથા પ્રાચીનકાળમાં દરેક દેશમાં હતી.

આજના અન્યાયથી આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આપણને કાંઈ લાગતું જ નથી. પાકથી લીલાંછમ ખેતરોવાળી બિહારની ભૂમિમાં ખેડૂતો અને બીજા ગરીબોને સત્તુ ફાકીને રહેવું પડે છે. એકથી બીજા લૂગડાને અભાવે બિહારની સ્ત્રીઓ નાહી નથી શકતી. ઓરિસ્સાની દશા એથીય ભૂંડી છે. અપચાથી જેમ મોઢું ગંધાય છે, તે પ્રમાણે સામાજિક અન્યાયને લીધે આપણા બધા વ્યવહારોમાં કુરૂપતા દેખાય છે.

આપણા સામાજિક દોષો શબ્દથી ધોવાય એવા નથી. આપણા પરસેવાથી જ આપણે તે ધોવા પડશે. અને આજે તેમ નહીં કરીએ, તો કાલે આપણા દીકરાઓના લોહીથી ધોવા પડશે.

દુનિયામાં જ્યાં જ્યાં અન્યાય થાય છે, ત્યાં ત્યાં જુલમ ગુજારનાર તો પાપી હોય જ છે, પણ જુલમ સહન કરનાર પણ ઓછું પાપ નથી કરતો. ભયભીત દશામાં રહેવું, અન્યાય સહન કરવો, અજ્ઞાન રહેવું, આળસમાં આયુષ્ય વિતાડવું-એ પણ પાપોનો એક પ્રકાર જ છે. દુષ્ટતાના જુલમ કરતાં અજ્ઞાન, વહેમ, અભિમાન અને સમાજહિતના ખોટા આદર્શને લીધે થયેલા જુલમ ઓછા ભયાનક નથી હોતા.

ગરીબાઈ એ મહાદુખ નથી. કંટાળાભરેલું, નીરસ અને કદરૂપું કામ કરવું પડે, એ ભારે સજારૂપ છે.

જાન અને માલને ગમે તે ભોગે વળગી રહેવાની હીનતાને લીધે જ હિંદુસ્તાનનું સત્યાન્યાશ વળ્યું છે.

પ્રયાસ અને કષ્ટ વગર જીવન દહાડે દહાડે કટાતું જાય છે, અને અંતે વિકૃત દશાને પામે છે.

દાન કરતાં પણ ત્યાગનું મહત્ત્વ વધારે છે. દાન કરવાથી આપણે ગરીબોનાં કષ્ટ ઓછાં કરીએ છીએ, પણ સમાજહિતને અર્થે સંપત્તિનો ત્યાગ કરવાથી આપણે ગરીબોની ગરીબી જ કાઢી નાખીએ છીએ.

વ્યક્તિને ખેરાત તરીકે દાન આપવાની પ્રથા બંધ કરવી જોઈએ. આખા સમાજને પુરુષાર્થ કરવાની અનુકૂળતા વધારે થાય, એવી સગવડો ને સંસ્થાઓ ઊભી કરવા પાછળ દાન ખરચાવું જોઈએ. દાન આપવામાં પુણ્ય છે એ જેમ આપણા ધર્મે શીખવ્યું છે, તેમ અંગત સગવડ ખાતર દાન લેવું એમાં ચારિત્ર્યહાનિ છે એવું પણ એ જ ધર્મે શીખવ્યું છે. અન્નછત્રમાં જમવું એ તો ત્યાગી-પરોપકારી માણસને જ સદે, ગૃહસ્થી માણસને એ ચારિત્ર્યહીન કરે, એ આપણા સમાજની માન્યતા છે.

ઉપકાર કરનાર ઘણી વાર અધીરાઈથી કૃતજ્ઞતાની અપેક્ષા રાખે છે અને અધીરાઈથી જ સામા માણસ ઉપર નગુણાપણાનો આરોપ કરે છે. [તો] સામો માણસ આપણી પાસેથી વધારે પડતી ભલાઈની અપેક્ષા રાખીને હંમેશાં અસંતુષ્ટ રહે છે.

સત્ય કાર્યને અર્થે જોખમ વહોરવામાં એક અપૂર્વરસ રહેલો છે.

પડેલા લોકો બીજાને પાડે છે.

બીજને ક્યાં ખબર હોય છે કે કેટલી ડાળીઓ, કેટલાં પાંદડાં અને કેટલાં ફૂલ-ફળ તેનામાં સમાયેલાં છે?

ઘાસની જ્વાળા ભડકામણી હોવા છતાં અલ્પજીવી હોય છે. લાકડાં બળે છે ધીમે ધીમે, પણ તે આખી રાત સુધી પહોંચે છે.

બગીચામાં ફૂલો ઉપર મેં એટલાં બધાં ભાતભાતનાં પતંગિયાં જોયાં કે મારી ખાતરી થઈ કે ઝાડ ઉપર બેસી બેસી કંટાળે એટલે ફૂલો જ પતંગિયાં બની ઊડવા માંડે છે.

કૅમેરા જે જુએ છે તે બધું જ છબીમાં નોંધી લે છે. પણ ચિત્રકાર જ્યારે ચિત્ર ચીતરે છે ત્યારે કઈ વસ્તુ ઉઠાવદાર બનાવવી, કઈ ગૌણ કરવી, કઈ વસ્તુ કાઢી નાખવી અને કઈ ઉમેરવી, એ જાણે છે. વિષયના આત્માને ચિત્રકારનું વરેણ્ય વફાદાર હોઈ વધારે સાચું નીવડે છે.

વેદકાળના ઋષિઓથી માંડીને વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ભવભૂતિ-ગમે તે કવિ લો, નદીને જોતાંવેંત એની પ્રતિભા પૂરજોશમાં વહેવા માંડે છે. આપણી કોઈ પણ ભાષાની કવિતા જુઓ-એમાં નદીનાં સ્તોત્રો મળવાનાં જ. અને હિંદુસ્તાનની ભોળી જનતાનાં લોકગીતો જુઓ, તો ત્યાં પણ નદીનાં વર્ણનો ઓછાં નથી.

તાજમહાલની નિર્મિતિ એકલા શાહજહાનનાં પ્રેમાશ્રુમાંથી નથી થઈ, પણ વેઠે પકડેલ અસંખ્ય મજૂરો અને કારીગરોનાં દુખાશ્રુમાંથી પણ થઈ છે.

કેટલાક લેખકો લખે છે સરસ ઢબે, પણ શું પસંદ કરવું અને શું છોડી દેવું તેનો વિવેક જાણતા નથી. પરિણામે, લખાણ એકધારો રસ આપી શકતું નથી. (શું છોડી દેવું અને શું પસંદ કરવું એ વિવેકને માટે સંસ્કૃત લેખકોએ એક ભારેખમ શબ્દ બનાવી રાખ્યો છે ‘हानोपादान.’ એ શબ્દ ભારેખમ હોવાથી આજકાલ ભાગ્યે જ કોઈ વાપરે છે. એટલા જ ખાતર એ શબ્દ અહીં વાપરીને એને જીવિતદાન આપવા માંગું છું.)