સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/શ્રદ્ધાનું પ્રતિબિંબ

          મનુષ્યપ્રાણીએ કેટલોયે અન્યાય કર્યો હોય અને કેટલાંયે પાપ કર્યાં હોય, તોપણ મનુષ્ય એ મનુષ્ય છે; તેને આખરે ધર્મનો રસ્તો સૂઝશે જ, એવી ગાંધીજીની અમર શ્રદ્ધા છે. એ શ્રદ્ધાથી જ તેઓ બધું સહન કરે છે, અને સહન કરીને પોતાની શ્રદ્ધા બીજામાં રેડે છે. તેમનું બાળક જેવું નિર્મળ મુક્ત હાસ્ય એમની એ શ્રદ્ધાનું જ પ્રતિબિંબ છે. લોકવાર્તામાં જે વર્ણન આવે છે કે પવિત્રા પુરુષોના હાસ્ય સાથે પુષ્પ અને મોતીના પોશ ઝરે છે, તે ગાંધીજીના હાસ્યમાં ચરિતાર્થ થયું છે. કેટલાક પાસે વિશ્વવિજયી તલવાર હોય છે, કેટલાક પાસે વિશ્વમોહિની ચતુરાઈ હોય છે, કેટલાક પાસે વિશ્વવશી રૂપ હોય છે, કેટલાક પાસે વિશ્વભયંકરી સત્તા હોય છે. ગાંધીજી પાસે આમાંનું એકે નથી. તેમની પાસે ફક્ત વિશ્વપ્રેમી હાસ્ય છે — અને તે એક હાસ્યની અંદર બધી શક્તિઓ સમાયેલી છે. આ પવિત્રા હાસ્યે ચોર-લૂંટારા અને ખૂની લોકોને સમાજના હિતેચ્છુ બનાવ્યા છે, ધૂર્તોને લજ્જિત કર્યા છે, પારકાંને પોતીકાં બનાવ્યાં છે, બગડેલાંઓને સુધાર્યાં છે, કટ્ટર વિરોધીઓને દિલોજાન દોસ્ત બનાવ્યા છે.