સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/‘અલ અમીન’

          જગતમાં મતભેદ, દૃષ્ટિભેદ અને હિતભેદ રહેવાના જ. મારીને, લડીને, વાદવિવાદ કરીને, પગે પડીને, કે ચૂપ બેસી રહેવાથી એ ભેદ જવાના નથી. સમાજમાં આ બધી વિવિધતાઓ હોવાની જ. સમાજ જેમ જેમ વધતો જાય તેમ તેમ તેની પ્રવૃત્તિ વિવિધ થતી જવાની, કાર્યની પદ્ધતિમાં ભિન્નમતિ આવવાની. એથી પણ આગળ જઈને એમ કહેવું જોઈએ કે જીવન સમૃદ્ધ થાય તે સારુ ભેદ આવશ્યક પણ છે. તદ્દન સાદા સંગીતને પણ ચાર-પાંચ સૂરની જરૂર રહે છે. ઉચ્ચ પ્રકારના સંગીતને બાવીસ શ્રુતિઓની જરૂર પડે છે. તેથી પ્રશ્ન એ નથી કે મતભેદ કેમ ટાળવા. પરંતુ મતભેદને વિશે સહિષ્ણુતા અને આદર જાળવી સંપ કેમ રાખવો એ સાચો પ્રશ્ન છે. ઘરમાં રોટલો એક જ હોય અને ખાનાર બાળક ને માતા બે જણ હોય, તો તે બન્નેનો સ્વાર્થ પરસ્પર— વિરોધી છે. પરંતુ તેટલા જ કારણથી તે બે વચ્ચે લડાઈ ઊભી થતી નથી, કેમ કે બન્નેમાં રહેલાં સમજ અને પ્રેમની શક્તિ વધારે બળવાન છે. સમાજમાંથી તકરારો કાઢવાને સારુ પણ આ જ ગુણોનો પરિપોષ કરવો જોઈએ. સમાજમાંના પ્રતિષ્ઠિત, ધર્મનિષ્ઠ અને કારુણિક લોકોએ જીવનની રોજની ઘટમાળમાં મન પરોવી, સર્વના હિતની દૃષ્ટિ રાખી લોકોને સલાહ આપવી જોઈએ. આવા કામને સારુ પણ તેમણે પોતાની સત્તાનો આગ્રહ રાખવો ન જોઈએ. સત્તાનો પ્રવેશ થતાં જ પ્રેમસંબંધ ઝાંખો પડવાનો. ગ્રામસેવામાં સૌથી કઠણ કામ લવાદનું છે. લવાદ ચારિત્રયથી, સેવાથી, સર્વ માટેની અંતરની લાગણીથી ‘અલ અમીન’ બનેલો હોવો જોઈએ. (બધાના વિશ્વાસને પાત્ર એવા પ્રામાણિક પુરુષને અરબ્બી ભાષામાં ‘અલ અમીન’ કહે છે.) પૈસા સંઘરવા એ વહેવારમાં જેટલું જરૂરનું છે, તેટલું જ માણસોને સંઘરવા એ પણ જરૂરનું છે. આ વાત પક્ષાંધ બનેલા માણસને ગળે ઉતારવી એ લવાદની ફરજ છે. અપરાધીને શિક્ષા કરવા જતાં, તેની સાથે સંબંધ ધરાવનાર કેટલાયે નિરપરાધી લોકોને સંકટમાં નાખવાનું થાય છે. એક ક્રૂરતાનો ન્યાય કરવા સારુ બીજી ક્રૂરતા કરવાથી અન્યાય ફીટતો નથી પણ બેવડાય છે. ભવિષ્યમાં અન્યાય આગળ ચાલુ ન રહે, જૂના અન્યાયનાં દુષ્પરિણામ બને તેટલાં ઓછાં થાય અને લોકોમાં પ્રેમ, સલાહસંપ, સહકાર તથા સામાજિક વૃત્તિનો વિકાસ થાય એમ કરવું, એ લવાદનો ન્યાય છે. દુર્જન લોકોની ખોડ ભુલાવી દેવાનો હેતુ લવાદે કદી મનમાં રાખવો નહીં. પ્રત્યેક હૃદયમાં સાત્ત્વિકતાનો ઉદય થાય, સમાજ એક વ્યાપક કુટુંબ છે એ વૃત્તિનું સંવર્ધન થાય, એવો પ્રયત્ન લવાદે કરવાનો છે. બંને પક્ષનું કલ્યાણ થાય, કોઈનો પણ સર્વસ્વઘાત ન થાય, અને તટસ્થ સમાજબુદ્ધિને સંતોષ થાય, એટલી જ મહત્ત્વાકાંક્ષા લવાદે રાખવી. [‘કાલેલકર ગ્રંથાવલિ’ : પુસ્તક ૫]