સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/“ત્યાગ કર્યો હોય તો — ”

          ૧૯૧૫ની આખરની વાત હશે. બાપુ કાંઈક લખતા હતા. હું પાસે બેઠો બેઠો ઉમર ખય્યામની ‘રુબાયત’નો [અંગ્રેજી] તરજૂમો વાંચતો હતો. ફિટ્ઝિરાલ્ડના અનુવાદનાં વખાણ મેં બહુ સાંભળ્યાં હતાં, પણ એ વાંચ્યો નહોતો. ચોપડી પૂરી થવા આવી હતી, ત્યાં બાપુનું ધ્યાન મારા તરફ ગયું. “શું વાંચો છો?” તેમણે પૂછ્યું. મેં ચોપડી બતાવી. નવીસવી ઓળખાણ થયેલી. બાપુ સીધો ઉપદેશ આપવા માગતા નહોતા. ઊંડો નિસાસો નાખી તેમણે કહ્યું : “મને પણ અંગ્રેજી કવિતાનો બહુ શોખ હતો. પણ મેં વિચાર કર્યો કે મને અંગ્રેજી કવિતા વાંચવાનો શો અધિકાર? મારી પાસે વખત ફાજલ રહેતો હોય, તો હું મારી ગુજરાતી લખવાની શક્તિ કાં ન વધારું? દેશની સેવા કરવી હોય તો મારો બધો વખત મારી સેવાશક્તિ વધારવામાં રોકવો જોઈએ.” થોડી વાર થોભી પાછા બોલ્યા : “દેશસેવાને કાજે મેં ત્યાગ કર્યો હોય તો તે અંગ્રેજી સાહિત્યના શોખનો. પૈસા અને ‘કરિયર’ [કારકિર્દી]ના ત્યાગને તો હું ત્યાગ ગણતો જ નથી, એ તરફ મને કદી ખેંચાણ જ નહોતું. પણ અંગ્રેજી સાહિત્યનો શોખ પાર વગરનો હતો. પણ મેં નિશ્ચય કર્યો છે કે એ શોખ મારે છોડવો જોઈએ.” હું સમજી ગયો, અને ચોપડી બાજુએ મૂકી દીધી.