સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાન્તિ ભટ્ટ/હતી ત્યાંની ત્યાં જ?

          અન્ના ફેલ્સ નામની લેખિકાનાં ૨૦૦૪માં લખાયેલાં પુસ્તક—‘નેસેસરી ડ્રીમ્સ: એમ્બિશન ઇન વિમેન્સ ચેન્જંગિ લાઇવ્ઝ’—માં આ લેખિકાનો આક્રોેશ છે કે સ્ત્રી શું કામ પરણવા પાછળ પડી છે? તેને લગ્નમાં શું મેળવવું છે? તેના જીવનમાં બીજું કોઈ ધ્યેય છે કે નહીં? શું તે તેના ધ્યેયસિદ્ધિના વિકલ્પમાં પુરુષોને રીઝવવા પાછળ પડી છે? દેશી ભાષામાં અન્ના ફેલ્સની વાત રજૂ કરું તો ‘સ્ત્રીને પરણવા સિવાયનો બીજો કોઈ જીવનનો મકસદ છે ખરો?’ તેની આજુબાજુ પુરુષોનું પ્રભુત્વ, પુરુષો દ્વારા થતી મારપીટ, બળાત્કાર અને વ્યવસાયમાં થતા અન્યાયને જુએ છે અને નોકરી કે કેરિયર પાછળ પડેલી સ્ત્રીઓનાં કથળેલાં જીવન જુએ છે છતાં તેને પરણવાનું કેમ મન થાય છે? યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાનાં મહિલા પ્રોફેસર ડો. જેન બ્રાઉન કહે છે કે, “અમે સ્ત્રીઓ તો જ્યાં હતી ત્યાંની ત્યાં જ છીએ. હું જર્નાલિઝમ કોલેજમાં જોઉં છું કે બધી છોકરીઓ પોતાને આકર્ષક અને સુંદર દેખાવા પાછળ જ મંડી રહે છે. પુરુષને આકર્ષવાનાં જ બધાં નખરાં હોય છે. આજે સ્ત્રીનું સમાજમાં જે માનભર્યું મહત્ત્વ છે તે મહત્ત્વ અને દક્ષતાને વિસ્તારવાને બદલે રોજેરોજ પુરુષને આકર્ષવાના નવાનવા અખતરા સ્ત્રી દ્વારા થાય છે અને પુરુષને પ્રાપ્ય થવામાં જ સ્ત્રીઓ બહાદુરી સમજે છે.”