સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોરલાલ મશરૂવાળા/કાકાસાહેબ : જીવનદર્શન

          ૧૯૧૭માં હું ગાંધીજીની રાષ્ટ્રીય શાળામાં જોડાયો. કાકાસાહેબ (કાલેલકર), મામાસાહેબ (ફડકે), નરહરિભાઈ વગેરે મારી પહેલાં જ જોડાયા હતા. મને થોડા વખતમાં જ ખબર પડી ગઈ કે મારા કામ માટે મને બરાબર અનુકૂળ થઈ પડે એવો જ્ઞાનકોશ શોધવા ક્યાંય ભટકવાની જરૂર નથી. કાકાસાહેબ જીવતોજાગતો જ્ઞાનનિધિ હતા. કોશમાંથીયે જરૂરી માહિતી ક્યાં મળશે તે જાણવાની આવડત હોવાની જરૂર હોય છે, નહીં તો ખૂબ ખાંખાંખોળાં કરવાં પડે. જીવતો કોશ હોય તો તે આવડત હોવાની શોધનારને જરૂરત નહીં. ત્યાં તો માત્ર પૂછવાની જ જરૂર. તે વખતમાં મારો અને નરહરિભાઈનો ખાસ ઉપયોગ કાકાસાહેબના લહિયા તરીકે હતો. મારો ખ્યાલ છે કે તે દિવસોમાં હું લખવા બેઠો હોઉં ત્યારે કાકાસાહેબ મરાઠીમાં જ બોલતા અને હું ગુજરાતીમાં લખતો. કોઈ વાર નરહરિભાઈ અને હું સાથે બેસીએ ત્યારે કાકાસાહેબને મરાઠી શબ્દનો ગુજરાતી પર્યાય આપવામાં હું મદદ કરતો અને નરહરિભાઈ કાકાસાહેબનું વ્યાકરણ સુધારીને લખતા. મારી પોતાની ભાષા અને લેખનશુદ્ધિ તો તે જમાનામાં જ ચાલે એવી હતી. કાકાસાહેબ ક્યારે મારી આગળ નીકળી ગયા તેની મને ખબરે ન પડી! વિદ્યાપીઠનું બંધારણ ઘડવામાં લગભગ બધા નવા શબ્દો કાકાસાહેબે જ શોધ્યા. કાકાસાહેબની શબ્દ-રચના-શક્તિનો વિદ્યાપીઠની પરિભાષામાં પુષ્કળ પરિચય થાય છે. ‘કુમારમંદિર’, ‘વિનયમંદિર’, ‘વિનીત’, ‘સ્નાતક’, ‘નિયામક સભા’, ‘અન્વેષક’, ‘ધ્યાનમંત્રા’ વગેરે શબ્દો આજે આપણને ચિરપરિચિત જેવા લાગે છે અને કેટલાક તો બીજાં ક્ષેત્રોમાંયે ફેલાયા છે. તે દિવસે એ બધા વિલક્ષણ લાગતા હતા. વિદ્યાપીઠનો ધ્યાનમંત્રા सा विद्या या विमुक्तये અને વિદ્યાપીઠની મહોર પરનું વટવૃક્ષ તથા કમળ પણ કાકાસાહેબની સૂઝ છે. ૨ શ્રી વિનોબા વારંવાર સંભળાવે છે કે શ્રુતિનો આદેશ છે કે “ચલતે રહો, ચલતે રહો.” કાકાસાહેબ એ આદેશનો અક્ષરાર્થ તેમ જ રહસ્યાર્થ પાળતા આવ્યા છે. ગાંધીજી કરતાંયે કાકાસાહેબનું ભ્રમણ વધારે થયું હોવાનો સંભવ છે. પણ ગાંધીજી અને કાકાસાહેબની આંખોની રચના જુદી જુદી છે, તેથી બંનેએ કરેલું દેશદર્શન જુદી જુદી જાતનું અને અન્યોન્યપૂરક છે. ગાંધીજીની કરુણાભીની અને અર્થશોધક આંખોએ જોયું કે હિંદુસ્તાન ગામડાંમાં વસે છે, અને એ ગામડાં ઉકરડાના ટેકરાઓ વચ્ચે છે; અને એ ગામડાં ગંદકી અને રોગોનાં કેન્દ્રો છે, તેમ સંપત્તિના યે ભંડારો છે. પણ તેની સંપત્તિ ખાલી થઈ જાય છે, અને ગંદકી તથા રોગો ફૂલેફાલે છે. વળી, ગાંધીજીએ તેમાં ન્યાતજાત, અસ્પૃશ્યતા વગેરેનાં ઝેર જોયાં. ગાંધીજીએ પોકાર કર્યો છે કે ગામડાં સાફ કરો, તેની અખૂટ સજીવ તથા નિર્જીવ સંપત્તિવર્ધક સામગ્રીનું વ્યવસ્થિત સંયોજન કરો; તેને ઐક્ય અને ઉદ્યોગોથી ભરી દો. કાકાસાહેબની રસભરી અને સૌંદર્યશોધક આંખોએ સર્વત્રા સુંદરતાનો વિસ્તાર જોયો. જ્યાં ગયા ત્યાંના પર્વતો જોયા; બરફથી ઢંકાયેલાં ઉચ્ચ શિખરો જોયાં; આકાશને અડકતાં મહાન વૃક્ષો જોયાં; નદીઓનો વિસ્તાર, ધોધ કે ઘોડાપૂર, ઝરણાંઓના શાંત કે ઉન્માદભર્યા પ્રવાહ જોયા. વસંતનાં ફૂલ, પતંગિયાં તથા પક્ષીઓમાં ઉડાઉ છતાં રસિકપણે છાંટેલા રંગો જોયા; આમ સર્વત્રા પ્રકૃતિનો સૌંદર્યવિસ્તાર જોયો. સાથે સાથે સૌંદર્ય સાથે એકરૂપ થયેલા કલામય હાથોએ નિર્માણ કરેલું ઇમારતી સૌંદર્ય, કંઠોએ નિર્માણ કરેલું નાદસૌંદર્ય, વાણીએ નિર્માણ કરેલું ભાષાસૌંદર્ય પણ જોયું. પણ આટલું તો એમણે દીવાના કે દિવસના ‘અંધારા’માં જોયું. એથીયે વધારે એમણે સચંદ્ર કે અચંદ્ર રાત્રીના ‘પ્રકાશ’માં જોયું. પૂર્ણ ચંદ્રમાંથી વરસતું રૂપું અને આકાશમાં રમતા તારલાઓની ચંચળ આંખો તથા રાસમંડળીઓ જોઈ. તેમાં અનેક પૌરાણિક આખ્યાયિકાઓ વાંચી, અને આ બધું એમણે ભાષાના ચમત્કારોથી ભરેલી વાણીમાં વર્ણવી બતાવ્યું. એમણે સુજલ, સુફલ, શસ્યશ્યામલ, શુભ્રજ્યોત્સ્નાપુલકિત અને ફુલ્લકુસુમિત દ્રુમદલથી શોભિત દેશ જોયો. અને ક્યારેક બાળકના જેવી સરળતાથી પોકારી ઊઠ્યા, “આટલી બધી સુંદરતા ચોમેર વેરાયેલી પડી છે, કોઈ લૂંટતા કેમ નથી?” આમ ગાંધીજીએ જે ન જોયું તે કાકાસાહેબે જોયું, અને કાકાસાહેબે ન જોયું તે ગાંધીજીએ જોયું, અને બંનેએ પરસ્પર અવિરોધીપણે પ્રગટ કર્યું. બંનેની નેત્રારચનામાં આટલો બધો ભેદ છતાં કાકાસાહેબે કળા અને કલ્પનાની ખાણ રવીન્દ્રનાથને છોડી ગાંધીજીમાં વધારે ગુરુભાવ અનુભવ્યો, અને ગાંધીજીએ કાકાસાહેબ જેવા મહામાત્રા (લેફ્ટનન્ટ) મળવાથી પોતાને હંમેશાં ધન્ય ગણ્યા. ૩ કાકાસાહેબે પોતાને હંમેશાં સિપાઈ તરીકે જ ઓળખાવ્યા છે. આ ભક્ત શબ્દનો જ પર્યાય છે. અને કાકાસાહેબ પ્રધાનપણે ભક્ત જ છે. એ જુવાનીની શરૂઆતમાં શ્રી ગંગાધરરાવ દેશપાંડેની સેનામાં જોડાયા હતા. તે વખતે તેમણે જે આજ્ઞા કરી તે ઉઠાવી. પછી તેમની જ આજ્ઞાથી વડોદરાના શ્રી કેશવરાવ દેશપાંડેના સિપાઈ બન્યા. ત્યારથી તેમના અનુવર્તી થઈને રહ્યા. તેમણે કાકાસાહેબને ગાંધીજીને સોંપ્યા ત્યારથી ગાંધીજીની આજ્ઞા વફાદારીપૂર્વક ઉઠાવવી એ એમનો જીવનધર્મ બન્યો છે. એમાં જે અંતરાય કરે તેનો ત્યાગ પણ કરે. ભક્તનું એક લક્ષણ છે કે — નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે; કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે; ભગિની સુત-દારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે. કાકાસાહેબે આવા અનેક ત્યાગ કર્યા છે, અને આવશ્યક થાય તો નવાયે કરી શકે છે. કાકાસાહેબની ગાંધીજી પ્રત્યેની ભક્તિ વિલક્ષણ છે. કોઈ એમને ગાંધીજીના અંધભક્ત કહે તો તેથી તે શરમાશે નહીં, ગાંધીજીના વિચારોને અનુસરીને પોતાના વિચારો બાંધવાનો પ્રયત્ન કરવામાં તેમને નાનમ લાગશે નહીં. પણ કાકાસાહેબ માત્ર શ્રદ્ધાવાન ભક્ત જ નથી, પરંતુ સિપાઈ, અને તેયે યોજકશક્તિવાળા સિપાઈ છે. આથી, કમમાં કમ જે ક્ષેત્રમાં ગાંધીજીએ યોજના કરી હોય તેમાં જૂના સનાતનીની શ્રદ્ધા, આર્યસમાજીનો જુસ્સો, સત્યાગ્રહીની હઠ, નૈયાયિકની વાદકુશળતા અને સફળ મૅનેજરની કુનેહથી ગાંધીજીના મતનો પ્રચાર કરે, બીજાને ગળે તે મત ઉતારી તેને પાકી રીતે બાંધી દે અને તેના અમલનો પ્રબંધ કરી દે. ૪ કાકાસાહેબે પોતાને શિક્ષક કહેવડાવવામાં જ ગૌરવ માન્યું છે. વિદ્યાર્થીઓનાયે તેઓ સદા માનીતા રહ્યા છે. પણ એમના શિક્ષણમાંથી મળતો ખાસ આનંદ લેવો હોય તેણે એમને મોટા વર્ગો કે સભાઓમાં સાંભળવાને બદલે, એમના ખાટલા પાસે જઈને બેસવું વધારે ઠીક. ઉંમરે એમના આ ધંધામાં થોડોક ફેર પાડયો છે ખરો. વીસ વર્ષ પહેલાંના કાકાસાહેબ બાળકો અને મોટાઓની ભેગી બેઠક હોય, તો જાણે મોટાઓને ભૂલતા હોય અને બાળકોને જ જોતા હોય તેવી વાતો કરતા. તેમની સમજાવવાની વિલક્ષણતાને લીધે મોટાઓ પણ તેનો આનંદ લઈ શકે તે જુદી વાત. આજના કાકાસાહેબ એવી બેઠકમાં બાળકોને ભૂલતા હોય અને મોટાઓને જ જોતા હોય એવો અનુભવ થાય છે. કાકાસાહેબ બોલે અને બાળકો બગાસાં ખાય એવું વીસ વર્ષ પહેલાં ન થતું; હવે થઈ શકે છે. પણ હજુ કાકાસાહેબ એવી કોટિએ નથી પહોંચ્યા કે મોટાં પણ બગાસાં ખાવા માંડે! [‘ગાંધી-પરિવારના જ્યોતિર્ધરો’ પુસ્તક]