સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોરલાલ મશરૂવાળા/બુદ્ધનું સ્મરણ કરાવનાર

          ગુજરાત-કાઠિયાવાડમાં જે સમયે અંધકાર છાઈ રહ્યો હતો ત્યારે પોતાના પ્રતાપથી અનેકનાં હૃદયને પ્રકાશ પમાડનાર, અનેકનાં ચિત્તનું આકર્ષણ કરનાર, પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓની ઉન્નતિ કરનાર, સદાચારના સંસ્થાપક—એવા સહજાનંદ સ્વામી હતા. લગભગ ૩૦ વરસ સુધી સતત પરિશ્રમ લઈ તેમણે લોકોને શુદ્ધ માર્ગે ચડાવ્યા. ગુજરાતમાં રહેતી ઊચી-હલકી સર્વ કોમોને પોતાનો સંદેશો પહોંચાડવા એમણે જે યોજકબુદ્ધિ ખરચી, જોખમો ખેડ્યાં અને સાધકો તૈયાર કર્યા તે બુદ્ધદેવની સ્મૃતિ કરાવે છે. સહજાનંદ સ્વામીના જીવનમાં જીવનશુદ્ધિનો દોરો બુદ્ધના જીવન માફક જ સોંસરો ચાલ્યો આવે છે. બંનેનો માર્ગ પોતાની સાધુતા દ્વારા સુધારણા કરવાનો હતો. પોતાના કાળના પ્રસિદ્ધ પુરુષોમાં સહજાનંદ સ્વામી સહુથી મહાન હતા. પૂર્વ દેશમાં પ્રગટી ગુજરાતને એમણે પોતાનું ઘર બનાવ્યું હતું. મારી અશુદ્ધ કલ્પનાઓને શુદ્ધ કરી ગુરુદેવે મને એક અંધ અનુયાયી રહેવા દીધો નથી. સંપ્રદાયમાં કેટલીક અશુદ્ધિઓ મેં જોઈ છે; અને આ ચરિત્રમાં જ્યાં છૂટકો ન હોય ત્યાં મારે એનો નિર્દેશ પણ કરવો પડ્યો છે. પણ એમ તો મારા કુટુંબમાં અને જ્યાં મારો જન્મ થયો છે તે દેશમાં યે અશુદ્ધિ છે. તેથી જેમ કુટુંબસ્નેહ અને જન્મભૂમિનું ઋણ ઘટવાં સંભવતાં નથી, તેમ સહજાનંદ સ્વામી પ્રત્યેની મારી ભકિત ઓછી થઈ શકતી નથી. [‘સહજાનંદ સ્વામી’ પુસ્તક: ૧૯૫૭]