સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોર વ્યાસ/જેવું લખાયું, તેવું છપાયું!

          દર માસે ગુજરાતી સામયિકોનાં ૧૫૦૦થી વધુ પૃષ્ઠો પર સર્જકોનો, વિવેચકોનો કેવોક પુરુષાર્થ ડોકાય છે? સંપાદકો સંપાદનનાં ધોરણો બાબતે કેવા આગ્રહો સેવે છે? નોંધપાત્ર એવાં કેટલાંક સામયિકોના અંકોને અવલોકતાં જણાશે કે સાહિત્યક્ષેત્રમાં નવી કલમોનો, નૂતન સર્જકો-વિવેચકોનો દુષ્કાળ પ્રવર્તે છે. જે જાણીતાં નામો છે એમાંથી કેટલાંયે જૂની મૂડીએ પોતાનો વેપાર ચલાવી રહ્યાં છે. જેવું લખાયું તેવું છપાયું, એવી સ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ. સર્જકોનો જોસ્સો પ્રબળ હોય, એ સમજી શકાય એવી વાત છે. પણ વાચકોના હાથમાં નિર્જીવ કાગળની થોકડી પકડાવી દેવાનો ઉત્સાહ ચાર ચાસણી ચઢે એવો છે. અભ્યાસક્ષેત્ર પરત્વે નિષ્ક્રિય રહીને મોટાં નામોની આગળપાછળ ભમતાં રહેતાં સામયિકો સ્વયં પ્રકાશિત બને, એવું ઇચ્છીએ. [‘કંકાવટી’ માસિક: ૨૦૦૪]