સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિસન સોસા/ખંડિત સ્વપ્નના અવશેષ

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ
અહીંથી હું શ્વેત શ્વેત કંઈ સ્વપ્ને લચી શકું
અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું
અહીંથી હું ભવ તરી શકું — અહીંથી ડૂબી શકું
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ
અહીંથી ઉમંગ ઊડતા અવસરમાં જઈ વસું
કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું
અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું
અહીંથી જવાય હમણાં-તરફ, અહીંથી કદી-તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…
[‘કંકાવટી’ માસિક : ૧૯૭૫]