સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કેશુભાઈ ભાવસાર/એ સમન્વય

          કૉંગ્રેસ કારોબારીની એક બેઠક વર્ધામાં ૧૯૪૧માં મળેલી. હું ત્યારે નજીકના સેવાગ્રામમાં ખાદી વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો, એટલે મને એ જોવાનો લાભ મળ્યો. ત્યાં મેં જોયું કે કૉંગ્રેસ-પ્રમુખ અબુલ કલામ આઝાદ મંચની બેઠક પર આડા પડ્યા પડ્યા સિગારેટના દમ ખેંચી રહ્યા હતા. પાસે બેઠેલા ગાંધીજી એકધ્યાન બનીને ચરખો ચલાવતા હતા. આ દૃશ્ય જોતાં જ મારા દિલને ભારે આઘાત લાગ્યો. આવી સભામાં આડેપડખે પડીને સિગારેટ પીવી, તેમાં મને પ્રજાનું અપમાન જણાયું. લોકોને સાદા, સંયમી અને મહેનતુ બનાવી સત્ય અને અહિંસાની તાલીમ આપવાનો પ્રયાસ ગાંધીજી ત્યારે કરી રહ્યા હતા. તેમના અદના સૈનિક બનવાની હોંશ મારા જેવા ઘણા લોકોની હતી. તેમાં મોટી ફાચર આ જોઈને મારા દિલમાં પડી ગઈ. પણ તે વખતે હું ગમ ખાઈ ગયો. પછી ૧૯૪૨ની લડતમાં હું જેલમાં ગયો ત્યાં મૌલાના આઝાદનું ‘કુરાન’ ઉપરનું પુસ્તક વાંચ્યું, ત્યારે એમની વિદ્વત્તા ને ઉમદા ભાવના આગળ મારું મસ્તક નમી પડ્યું. સાથે સાથે મને એમ પણ થયું કે આવી મહાન પ્રતિભાવાળા પુરુષો નિર્વ્યસની ને સાદું જીવન પણ જીવતા હોય તો કેવું સારું! બીજી બાજુ નિર્વ્યસની ને શ્રમજીવી લોકોને જોઉં છું ત્યારે મારા મનમાં આનંદની સાથે એ લાગણી પણ જાગે છે કે એમનામાં મૌલાના આઝાદના જેવી નીડરતા, દેશ માટે ખુવાર થવાની અને સમાનતાની ભાવના હોત તો કેવું સારું થાત! દેશ માટે સહન કરવાની તૈયારી વગરના અને ટૂંકી દૃષ્ટિવાળા લાખો લોકો ભલે સાદા ને સંયમી હોય, પણ તેથી ગાંધીજીનું સ્વપ્નું સિદ્ધ થાય? આજે વિચારતાં એવું લાગે છે કે એ બંને પ્રકારના લોકોના સમન્વય માટે જ ગાંધીજી મથતા રહેલા. અબુલ કલામ આઝાદના વ્યસનને તેમણે નિભાવી લીધું, તેમ અમારા જેવા સંયમી જીવન જીવનારા છતાં એકબીજાને જરાય સહન ન કરી શકનારા ઘમંડી કાર્યકરોને પણ તેમણે નિભાવ્યા. આ બંને પ્રકારના લોકોનો સમન્વય હજી આપણે કરવાનો છે. સાદું, સ્વાવલંબી ને નિર્વ્યસની જીવન તો ખરું જ; પણ સાથોસાથ નીડરતા, ઉદારતા અને કરોડો દુખી અજ્ઞાન લોકો માટે ખપી જવાની ભાવના — એ બધું આપણા જીવનમાં સામટું પેદા થશે ત્યારે જ આપણે સાચી આઝાદી પામશું.