સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કેશુભાઈ ભાવસાર/ચૂંટણી-સુધારાની ઝુંબેશ

          લોકશાહી માટે આજે જે જોખમો ઊભાં થયાં છે, તે માત્ર વેળાસર ચૂંટણી થઈ જાય, અને શાસક પક્ષને બદલે બીજો કોઈ પક્ષ ચૂંટાઈ આવે, તેથી ઓછાં થઈ જશે એમ માનવાનું નથી. કોમવાદને પ્રોત્સાહન, લાલચ આપીને પક્ષપલટાને ઉત્તેજન આપવું, મૂડીવાદીઓની પડખે રહી તેમનાં નાણાં પક્ષ માટે મેળવી ધોમ ખર્ચા કરીને ચૂંટણીઓ જીતવી, સત્તાનો દુરૂપયોગ કરીને, ગેરકાયદેસર રીતે મત આપે તે ગામનાં જ વિકાસકાર્યો કરાવવાં વગેરે. આમાંના ઘણાખરા દોષો ચૂંટણીપદ્ધતિને કારણે થતા હોય છે, તેથી તેને સુધારવાનું અનિવાર્ય ગણવું જોઈએ. ચૂંટણી-પદ્ધતિમાં જ જ્યાં ભરપૂર દોષો ભર્યા પડ્યા છે, ત્યાં એને નિવાર્યા વિના ધરમૂળથી ફેરફાર કદી સંભવિત નથી. આજે દુનિયાના બધા લોકશાહી દેશોમાં ઉદ્યોગપતિઓ બધા પક્ષોને પોતાનાં નાણાંના જોરે રમાડે છે અને સૌને ખીસામાં રાખે છે. ભારતમાં પણ મહદ અંશે એમ બને છે. વળી બીજા દેશોનાં નાણાંના જોરે પણ કેટલાક પક્ષો નાચ્યા કરે છે. સત્તા પર આવ્યા પછી આવા લોકો, એમના આશ્રયદાતા ઉદ્યોગપતિઓના કે અન્ય દેશોના ગુલામની જેમ જ વરતતા હોય છે. [‘પુનર્રચના’ માસિક: ૧૯૭૫]