સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિરાબહેન સ. પટેલ/પોતાનો નિયમ: પોતે જ દંડાયા!

          બાપુજી ઘરમાં રહે, પણ મહેમાનની જેમ. ક્યારેય કશું માગવાનું નહીં, કોઈ સૂચન કરવાનું નહીં. એમનું કબાટ એકદમ વ્યવસ્થિત. થેલામાં કપડાં લઈ બહારગામ જાય, પણ ગોઠવે એટલું સુંદર કે એક પણ કરચલી ન હોય. એમનાં કપડાંને અસ્ત્રી કરીએ તે જરાય ન ગમે. પોતાનું બધું કામ જાતે કરે. છેલ્લે સુધી જમીને થાળી જાતે જ ઉપાડતા. છેલ્લાં ચાર વરસ આંખ ગુમાવી હતી છતાં કદી કોઈની મદદ માગી નથી. ખૂબ મિતભાષી. કદી કોઈનું ઘસાતું બોલ્યા નથી. ૩૬ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. દરેકની મિટિંગ વખતે ગાડી લેવા આવશે, એવો સંદેશો આવે. પણ ના કહે: એક જણ માટે આટલું પેટ્રોલ ના બળાય. બસ કે ટ્રેનમાં જાય. સમયની એમની શિસ્ત તો ખૂબ જાણીતી છે. મુખ્ય મંત્રી હતા ત્યારે એક વાર કેબિનેટની મિટિંગ સવારે ૮ વાગ્યે હતી. સમય થઈ ગયો પણ તેઓ તો કસરત, સ્નાન, નાસ્તો કરતા રહ્યા. અમને થયું કે મિટિંગ બંધ રહી હશે કે શું, તેથી પ્રભાકરભાઈ મિટિંગના સ્થળે જોવા ગયા. તો આખું મંત્રીમંડળ રાહ જોતું બેઠેલું. તરત પાછા આવીને ખબર આપ્યા. બાપુજીએ કાંડા ઘડિયાળ જોયું તો તેમાં હજી ૮ નહોતા વાગ્યા—બંધ પડી ગયેલું! બધા સમયસર આવે તે માટે બાપુજીએ જ નિયમ કરાવેલ: મંત્રી જેટલી મિનિટ મોડા આવે, તેટલા રૂપિયા દંડ. કદી મોડા ન પડનાર બાબુભાઈ આજે ખરા પકડાયા, એમ માની બધા તાકીને બેઠેલા. રૂમમાં દાખલ થતાં ૮-૧૫ થયેલ: બાપુજીએ રૂ. ૧૫ ધરી દીધા.