સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/આરામખોર પ્રજા : હરામખોર નેતા

          થાકીને ઊંઘી જવું, એ પ્રત્યેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. થાક્યા વગર ઊંઘી જવું એ જ ખરો ભ્રષ્ટ આચાર છે. પૂરતા થાક પછીની ઊંઘ સ્વાદિષ્ટ હોય છે. ખરી ભૂખ પછીનું ભોજન સ્વાદિષ્ટ હોય છે. પ્રતીક્ષા પછીનું મિલન અભીષ્ટ હોય છે. મફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો એ ત્રાણે સગા ભાઈઓ છે. આ ત્રાણેની એકની એક બહેનનું નામ ગરીબી છે. આ ચારે સંતાનોની સગી માતાનું નામ આળસ છે. સંયુક્ત પરિવાર તે આનું નામ! આ વર્ષે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાઓ વખતે કેટલાક આચાર્યોએ પરીક્ષાર્થીઓ પ્રત્યે અપાર કરુણા બતાવી. તેઓએ વિદ્યાર્થીઓએ નિરાંતે ચોરી કરવા દીધી અને સક્રિય મદદ પણ પૂરી પાડી. આવા પરગજુ આચાર્ય નિવૃત્ત થશે ત્યારે એમનો વિદાય સમારંભ ગોઠવાશે. આવા પતિત આચાર્ય સામે લાલ આંખ કોણ બતાવે? એ કામ આચાર્ય સંઘે કરવું જોઈએ. કડિયો કામચોરી કરે છે, બેલદાર કામચોરી કરે છે, પ્લમ્બર કામચોરી કરે છે, સુથાર-લુહાર-દરજી-મોચી-વાળંદ-ધોબી-મજૂર અને મહેતાજી કામચોરી કરે છે. કામચોરી, દિલચોરી અને દાણચોરીએ આપણા દેશને ફોલી ખાધો છે. આરામખોર પ્રજાને હરામખોર નેતાઓ જ મળે. પરીક્ષાકેન્દ્રોમાં કાપલીમાતાની બોલબાલા હોય છે. પરીક્ષાકેન્દ્રો પર એકઠી થતી કાપલીઓનું વજન કેટલું? આખા દેશને ડુબાડે તેટલું! ગામેગામ મળી આવતા આ સ્ફોટક પદાર્થને શોધી કાઢવાનું કામ પોલીસનું નથી, પ્રજાનું છે. આપણા વિનિપાત માટે આપણને પાકિસ્તાનની ગરજ નથી. આ કાપલીઓ જ પૂરતી છે. આવા સમાજમાં સાધુતા પણ સહજ ન હોઈ શકે. જે કામ કરવા માટે માણસને પૂરતો પગાર મળતો હોય, એ કામ કરી આપતી વખતે ઉપકાર કરતો હોય એવી લાગણી અનુભવનારો માણસ કદી ખરા અર્થમાં ધાર્મિક ન હોઈ શકે. આપણે ત્યાં ધાર્મિકતા અને પ્રામાણિકતા વચ્ચે બહુ મેળ નથી હોતો. દેશ સામેનો ખરો ખતરો દિલ્હીની બહાર નથી. જેટલાં વધારે ભાડાંભથ્થાં અને આડલાભો લઈલઈને પૈસા એકઠા થાય તેટલો કરવામાં આપણા ઊજળા પ્રતિનિધિઓને કોઈ જ વાતની મર્યાદા નડતી નથી. એકાદ ચેરમેનપદું, એક મોટરગાડી, એક ઑફિસ, ઉપકારો ઠાલવવાની વિપુલ સત્તા, પ્રવાસભથ્થું, સરકીટ હાઉસની સુવિધા, ટેન્ડર, ટ્રાન્સફર અને ટ્રાવેલ સાથે જોડાઈ ગયેલી ગળચટી ચશ્મપોશી એટલે આપણા ભ્રષ્ટ રાજકારણીઓનો બ્રેકફાસ્ટ. નિયમિત હપ્તા મળે તે લંચ અને મોટી રકમનાં બંડલો એ જ ડિનર!