સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/ઓરડામાં યુનિવર્સિટી!

          સુરતના લગભગ ૧૪ વર્ષના નિવાસ દરમિયાન એક એવા આદરણીય સારસ્વતને નજીકથી જોવા-મળવાનું બન્યું, જેઓ ‘બ્રાહ્મણ’ની વ્યાખ્યા જેવા જણાયા. મૂળે ઉમરેઠના, પરંતુ સુરતમાં સ્થાયી થયેલા શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને માટે ‘ઉપનિષદ’નો શબ્દ પ્રયોજીને કહી શકાય કે તેઓ ‘મનીષી’ હતા. ગુજરાતી ભાષાના આદરણીય વિવેચક તરીકે વિષ્ણુભાઈ હંમેશાં શુભદર્શી રહ્યા. કોઈ કૃતિની મર્યાદા બતાવે તો તે પણ એવા શબ્દોમાં બતાવે કે કોઈ ડંખ ન વરતાય. નાના ગણાતા કે ઊગતા લેખકને પણ મીઠી ટકોર કરીને ઉત્તેજન આપે. એમનું લખાણ સાક્ષરી ગદ્યની મુદ્રાવાળું તોય બે વાર વાંચનારને સમજાય તેવું ખરું! એમની સાથે એક કલાક બેસવાનું થાય પછી જ્યારે ઓરડો છોડવાનું બને ત્યારે એવું લાગે કે એ ઓરડામાં ખાટલા પર એક યુનિવર્સિટી બેઠી હતી. પૂર્વ અને પશ્ચિમના ચિંતકોની વાતોનો અખૂટ ભંડાર સાવ સહજપણે ઠલવાતો રહે. સહજ વિનય અને વિવેકથી શોભતી વાણી કોને કહે તે સ્ામજવું હોય તો વિષ્ણુભાઈને મળવું પડે. [‘અભિયાન’ અઠવાડિક: ૨૦૦૪]