સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/નિખાલસ વાતો

          એક વાર હું સિયાટલથી વાનકુવર બસમાં જઈ રહ્યો હતો. એક અમેરિકન યુવાન જોડિયા બેઠક પર સાથે હતો. વાતો ચાલી. એણે મને ઇન્ડિયા વિષે પ્રશ્ન પૂછ્યા. મેં પણ પછી એને થોડાક પ્રશ્નો પૂછ્યા. એકાદ-બે કલાકમાં તો અમે ખાસા નજીક આવી ગયા. લાંબી વાતચીતને અંતે મેં એને પૂછ્યું : “જ્હોન! તેં અત્યાર સુધીમાં કેટલી છોકરીઓ સાથે ડેટિંગ કર્યું છે?” એણે મનોમન ગણતરી કરવા માંડી અને મને કહ્યું : “બાવીસ.” એ યુવાન પરણેલો ન હતો. મેં પૂછ્યું : “જ્હોન! તું જ્યારે પણ લગ્ન કરશે ત્યારે તારી પત્ની વર્જિન (અક્ષત) હોય એવી અપેક્ષા રાખશે ખરો?” કોઈ પણ જાતના વિલંબ વિના જ્હોને કહ્યું : “નો, નેવર.” અમારી વાતોમાં ક્યારે વાનકુવર આવી ગયું તેની ખબર ન પડી. જ્હોન બાય બાય કહીને ચાલી નીકળ્યો ત્યારે મને એવી લાગણી થઈ હતી કે હું મેલો આદમી છું.

આપણે આપણા કેટલાય ન પકડાયેલા ગુના ભલે છુપાવીએ, પરંતુ તેવા ગુના કોઈ બીજો માણસ કરે ત્યારે, તેની નિંદા ન કરીએ તોય ઘણું!

સેક્સનાં સ્ખલનોથી હું મુક્ત નથી. કોઈ સુંદર યુવતીને મળવાનું બને ત્યારે અંદરથી આકર્ષણ ન અનુભવું એવો અરસિક હું નથી. [‘ગાંધીનાં ચશ્માં’ પુસ્તક : ૨૦૦૬]