સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/નિભાડામાં પાકીને આવેલા

          લીધેલું કામ અડધેથી છોડે, તે ગાંધી નહીં. ડરથી કોઈ કામ પડતું મેલે, તે ગાંધી નહીં. પોતાની રાઈ જેવડી ભૂલ છુપાવે, તે ગાંધી નહીં. સત્ય સાથે બાંધછોડ કરે, તે ગાંધી નહીં. મિત્રને છાવરે ને દુશ્મનને છેતરે, તે ગાંધી નહીં. આવા ગાંધીનું ખરેખરું ઘડતર દક્ષિણ આફ્રિકામાં થયું. જીવનમાં સાદગી, સેવા, સત્યાગ્રહ અને સ્વાવલંબનના પ્રયોગોની શરૂઆત ત્યાં થઈ. ૧૯૧૫માં ભારત પાછા ફર્યા ત્યારે તો દક્ષિણ આફ્રિકામાં તપશ્ચર્યાના નિભાડામાં પાકીને તેઓ લગભગ મહાત્મા બની ચૂક્યા હતા. ગાંધીસાહિત્યમાં મારું પ્રિય પુસ્તક ‘જીવનનું પરોઢ’ છે. એના લેખક પ્રભુદાસ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં [પોતાની બાલવયમાં] યુવાન ગાંધીનાં પરાક્રમો નિહાળેલાં. તેઓ છેલ્લી માંદગીમાં પથારીવશ હતા ત્યારે મળવા ગયેલો. મેં કહ્યું : “પ્રભુદાસભાઈ! તમે જીવનમાં માત્ર ‘જીવનનું પરોઢ’ પુસ્તક લખીને જ વિદાય થયા હોત તો પણ તમારું પૃથ્વી પર આવેલું સાર્થક ગણાત.”