સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/માઈક પરથી વહેતો ત્રાસવાદ

          એક સભામાં બોલવાનું હતું. સમયસર સભાના સ્થળે પહોંચ્યા પછી અડધો કલાક વીતી ગયો, ત્યારે અન્ય વક્તાઓ આવ્યા. આટલું મોડું થયું તોય પ્રાર્થના પચ્ચીસ મિનિટ ચાલી. ટ્રેન મોડી પડે ત્યારે પેસેન્જરો શ્રદ્ધા પ્રગટ કરતા હોય છે કે મુંબઈ પહોંચતાં સુધીમાં એંજિન ડ્રાઇવર મેક-અપ કરી લેશે. પણ ગમે તેટલું મોડું થયું હોય તોય સભાના આયોજકોને કોઈ જ ઉચાટ નથી હોતો. આજકાલ સભાઓમાં વળી એક નવતર પાત્ર ઉમેરાયું છે. સભાનો સૂત્રધાર (કોમ્પેઅર) દરેક વક્તા ઊભો થાય તે પહેલાં અને બેસી જાય પછી ત્રાણ-ચાર મિનિટો ખાઈ જાય છે. આપણે એને કાર્યક્રમનો બિન લાદેન કહી શકીએ. બીજા પ્રસંગે એક ઉચ્ચ કક્ષાની સભામાં પ્રવચન કરવાનું હતું. કાર્યક્રમના બે સ્પષ્ટ વિભાગો આમંત્રણ-કાર્ડમાં જ પાડવામાં આવેલા. પહેલા કલાકમાં એક પ્રધાનશ્રી દીપ પ્રગટાવીને સંબોધન કરવાના હતા અને પછીના બે કલાકો પરિસંવાદ માટે ફાળવવામાં આવેલા. ચાર વક્તાઓ બોલવાના હતા. યોજક વિદ્વાનની આગળથી રજા લઈને એક કલાક મોડા જવાનું રાખ્યું. કારણ મનમાં રાખ્યું. સભાસ્થળે પહોંચવાનું થયું, ત્યારે હજી કાર્યક્રમ માંડ શરૂ થયો હતો. પ્રધાનશ્રી ૩૫-૪૦ મિનિટ બોલ્યા. તેઓએ બે-ત્રણ વખત નમ્રતા બતાવી કે જે સભામાં આવા વિદ્વાનો બોલવાના હોય ત્યાં પોતે વધારે તો શું બોલે! એમની વાત સાવ સાચી છે. કાર્યક્રમ લગભગ અઢી કલાક ચાલ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૧મું અધિવેશન પાટણમાં યોજાઈ ગયું, તેમાં પ્રબુદ્ધ સાહિત્યકારોનાં પ્રવચનો સાંભળવા મળ્યાં. એ યાદગાર અધિવેશનમાં એક જ બાબત ખૂટતી હતી અને તે ઘડિયાળ. પરિષદના અધ્યક્ષ રઘુવીર ચૌધરીને વાતવાતમાં મેં કહ્યું કે બેઠકો દોઢ-બે કલાક મોડી પડતી જાય છે. રઘુવીરે મારા કપાળ પર તિલક કરતા હોય એવી અદાથી કહ્યું : “અમે જડ છીએ, તમે ધીરેધીરે ટેવાઈ જશો.” મારી તો બોલતી જ બંધ થઈ ગઈ! છેલ્લા કેટલાક સમયથી સભાઓ ગંગાસ્વરૂપ બનતી જાય છે. શ્રોતાઓ ઓછા હોય એ ઘટના બિલકુલ દુખદ નથી, પરંતુ હૉલ મોટો લાગે તે બાબત પીડાકારક છે. ગમે તેવો નાનો ઓરડો પણ મોટો પડે, એવી સ્થિતિ થવાની છે. સ્ટેજ પર બેઠેલાઓની સંખ્યા વધી છે. સામે બેઠેલાઓની દયા ખાધા વગર માઈક્રોફોન પરથી ત્રાસવાદ વહેતો જ રહે છે. આજનો માણસ ત્રણ ત્રણ કલાકની સભાઓ શા માટે વેઠે? લાંબાલચક કાર્યક્રમમાં એક વાર ફસાઈ ગયેલો ભોળો શ્રોતા બીજી વાર સભામાં જવાનું સાહસ કરતો નથી. આમ દિવસે દિવસે સુજ્ઞ શ્રોતાઓની સંખ્યા વદ પક્ષના ચંદ્રની માફક સંકોચાતી જાય છે. યુવાનોએ તો સભામાં હાજર રહેવાના વ્યસનને ક્યારની તિલાંજલિ આપી દીધી છે. કોઈ ઉપાય ખરો? ક્રિકેટમાં જેમ ‘વન-ડે-મેચ’નો પ્રારંભ થયો છે, તેમ એક કલાકની સભા શરૂ થાય તે ખૂબ જરૂરી છે. એવી સભામાં ત્રણ મિનિટની પ્રાર્થના અને ત્રણ મિનિટની સ્વાગત-વિધિ પછી મુખ્ય વક્તાને ૪૫ મિનિટ મળે, અને પ્રમુખ દસેક મિનિટમાં સમાપન વક્તવ્ય આપે. આવી ‘સાઠ મિનિટીય સભા’ઓની ફૅશન શરૂ થવી જોઈએ. એક સારી સભાનું આયોજન કરવું એ પણ એક કળા છે. સાહિત્યકારો બોલતી વખતે શ્રોતાઓના ચહેરા પર લીંપાયેલો અણગમો, થાક અને કંટાળો વાંચી શકે તોય નિર્દયપણે બોલ્યે રાખે છે. ક્યારેક શ્રોતાઓને બિલકુલ ન સમજાય તેવી ભાષામાં બોલીને તેઓ વિદ્વાનમાં ખપવા ધારે છે. તેઓને સહન કરનારાઓની સંખ્યા હવે ઝડપથી ઘટી રહી છે. સાવધાન! આયોજકો પણ વિવેક નથી જાળવતા. વીસ મિનિટનો સમય આપવામાં આવ્યો હોય તોય ૪૫-૫૦ મિનિટ ખેંચી કાઢનાર વક્તાને કોઈ જ ટોકતું નથી. પરિણામે છેલ્લા વક્તાને અન્યાય થાય છે. સભાના પ્રમુખ પાસે ઘંટડી હોવી જ જોઈએ. સમયની પરવા ન કરનારા વક્તાઓ, પ્રમુખો, અતિથિવિશેષો એરપોર્ટ પર મોડા કેમ નથી પડતા? આ ત્રાસવાદ સામે શ્રોતાઓ સવિનય અસહકાર શી રીતે કરી શકે? નિયત સમયે સભા શરૂ ન થાય તો પાંચ-સાત મિનિટ રાહ જોઈને સભાસ્થળ છોડીને ચાલ્યા જવાનું પગલું યોગ્ય છે. ગમે તેવા વક્તાને અને ગમે તેવા રેઢિયાળ આયોજનને સહન ન કરનાર સુજ્ઞ શ્રોતાઓ વંદનીય છે. એમની સંખ્યા વધે તે એક સાંસ્કૃતિક ઘટના ગણાશે. આવો સાંસ્કૃતિક સૂર્યોદય ગુજરાતમાં ક્યારે થશે? [‘સંદેશ’ દૈનિક]