સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/વેગળાં ને વેગળાં જ!

Revision as of 04:43, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણા ઘરની નિયમિત મુલાકાત ત્રણ જણા લેતા હોય છે : એક છે છાપા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આપણા ઘરની નિયમિત મુલાકાત ત્રણ જણા લેતા હોય છે : એક છે છાપાંવાળો, બીજો દૂધવાળો અને ત્રીજો ટપાલી. આ ત્રણે સ્વજન જેવા લાગવા જોઈએ. આ ત્રણે મૂક સેવકોને આપણે ક્યારેય બે સારા શબ્દોથી આવકારીએ છીએ ખરા? એ લોકો આપણે બારણે આવે ત્યારે પાણીનો ભાવ પણ પૂછીએ છીએ ખરા? વરસને વચલે દહાડેય તેમને એક કપ ચા કે નાસ્તો ધરવાનું સૌજન્ય બતાવીએ છીએ ખરા? એક જીવતો માણસ આપણે ત્યાં લગભગ નિયમિત રીતે આવતો રહે તોય એના અસ્તિત્વનો સ્વીકાર કરવાની તમીજ આપણામાં હોય છે ખરી? ઘરમાં કામ કરતી કામવાળી એક એવું પાત્રા છે જે ઉપેક્ષાયા કરે છે. એ કેઝ્યુઅલ લીવ, સીક લીવ, હાઉસ રેન્ટ, બેઝિક પગાર, મોંઘવારી અને પ્રોવિડન્ટ ફંડથી પર છે. એના અસ્તિત્વનો સ્વીકાર એની ઓચિંતી ગેરહાજરી વખતે જ થાય છે. ઓછામાં ઓછા પૈસે વધારેમાં વધારે કામ કરાવવાનું એક ષડ્યંત્રા ગોઠવાઈ જાય છે. જ્યાં કામવાળીઓ આ અંગે થોડી જાગૃતિ બતાવે છે, ત્યાં ‘દિવસો ખરાબ આવ્યા’ એવી વાતો થવા માંડે છે. રોજબરોજ આપણા સંપર્કમાં આવતા અને આપણું જ કામ કરતા માણસો સાથે આપણે શરીરથી નખ વેગળા રહે એવું વર્તન રાખીએ છીએ. [‘નૂતન શિક્ષણ’ માસિક : ૧૯૭૭]